Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
સમગ્ર રાજ્યમાં ગઈકાલે રવિવારે 16મી ફેબ્રુઆરીએ પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું. જો કે, ગત્ ચૂંટણીઓની સરખામણીએ આ વખતે મતદારોએ ખાસ ઉત્સાહ દેખાડ્યો નથી. ગત્ વખત કરતાં આ વખતે મતદાન આઠ ટકા ઓછું રહ્યું છે. હાલાર પંથકમાં દ્વારકા જિલ્લાના મતદારોને ચૂંટણીઓમાં ખાસ કોઈ રસ પડ્યો ન હોવાનું ચિત્ર જોવા મળે છે.
જામનગર જિલ્લામાં ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર પાલિકાઓ માટે મતદાન થયું. જે પૈકી સૌથી વધુ મતદાન ધ્રોલ પાલિકા માટે 68.05 ટકા નોંધાયું. જ્યારે કાલાવડ પાલિકામાં 63.16 ટકા અને જામજોધપુર પાલિકામાં સૌથી ઓછું 58.12 ટકા મતદાન રહ્યું. આમ ત્રણેય પાલિકાઓના મતદાનની સરેરાશ ટકાવારી 62.95 ટકા રહેવા પામી. તંત્રએ જાહેર કર્યું છે કે, ક્યાંય પણ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયો નથી. કુલ ચાર મતદાન મથકો પર ખરાબી ઉભી થતાં EVMના ચાર બેલેટ યુનિટ બદલવા પડ્યા હતાં.

આ ઉપરાંત જામનગર જિલ્લામાં તાલુકા પંચાયતની બે બેઠકોની ચૂંટણીઓ પૈકી જોડિયાની બેઠક પર ભાજપાના ઉમેદવાર બિનહરીફ થયેલાં જ્યારે જામવંથલીની બેઠક પર માત્ર 43.94 ટકા મતદાન નોંધાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારો ચૂંટણીઓ પ્રત્યે ઉદાસીન રહ્યા હોવાનું આંકડા પરથી પ્રતીત થયું. અહીં 3 પાલિકાઓના સરેરાશ મતદાનના આંકડા મુજબ, કુલ મતદારો પૈકી અડધાથી વધુ મતદારોએ ચૂંટણીઓમાં કોઈ જ રસ દેખાડ્યો નથી. સરેરાશ માત્ર 49.57 ટકા મતદારોએ જ મતદાનમાં ભાગ લીધો.
આ જિલ્લાની 3 પાલિકાઓ સલાયા, ભાણવડ અને દ્વારકા પૈકી એકમાત્ર ભાણવડ પાલિકા માટે 55.01 ટકા મતદાન થયું. બાકીની બે પાલિકાઓમાં અડધાથી વધુ મતદારોએ કોઈ જ રસ દાખવ્યો નહીં, સ્થાનિક રાજકારણ પ્રત્યે આડકતરી નારાજગીઓ દેખાડી. એમાંયે દ્વારકા શહેરમાં તો લોકોને પાલિકા બાબતે જાણે કે કોઈ જ રસ નથી, એવા આંકડા મતદાનમાં બહાર આવ્યા. માત્ર 46.61 ટકા મતદારોએ મતદાન મથક સુધી જવાની તસ્દી લીધી. સલાયામાં પણ એ જ સ્થિતિઓ, માત્ર 49.64 ટકા મતદારોએ મતદાનમાં ભાગ લીધો. મતદારોની આ ઉદાસીનતા નેતાઓ માટે ખતરાની ઘંટી લેખાવી શકાય.
ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ,સલાયામાં એક EVM બદલવું પડ્યું હતું. આ જિલ્લાની ભરાણા (તાલુકો ખંભાળીયા) અને જુવાનપુરમાં (તાલુકો કલ્યાણપુર) તાલુકા પંચાયતની કુલ બે બેઠક પર ચૂંટણીઓ હતી પરંતુ મતદારોને આ ચૂંટણીઓમાં કોઈ જ રસ ન હતો. ભરાણા બેઠક પર 43.42 ટકા મતદાન થયું…જ્યારે જુવાનપુરમાં તો 63.62 ટકા મતદારોએ મતદાન પ્રત્યે સંપૂર્ણ નારાજગીઓ દેખાડી દેતાં માત્ર 36.38 ટકા જ મતદાન થયું. આ બે બેઠક પર EVM સહિતના કોઈ જ પ્રશ્નો ચૂંટણીઓ દરમિયાન ન હતાં.
