Mysamachar.in-
જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં હજારો સૂચિત સોસાયટીઝ આવેલી છે. આ પ્રકારની વસાહતોમાં ચોક્કસ પ્રકારના મહેસૂલી કેસ પડતા મૂકવા અંગે અગાઉ જાહેરાત થયેલી, જેનો અમલ આવતીકાલે 22મે થી શરૂ થઈ જશે કારણ કે રાજ્યપાલ દ્વારા આ બાબતને મંજૂરી આપી દેવામાં આવી છે.
સૂચિત સોસાયટીઝને નિયમિત બનાવવાની પ્રક્રિયાઓમાં કેટલાંક વિઘ્નોને કારણે અનેક વિવાદો રેકોર્ડ પર આવ્યા હતાં. ખાસ કરીને મહેસૂલી કાયદા હેઠળના ગણોતના કેસ, બિનખેતી NAના કેસ અને તેની પ્રીમિયમ વસૂલાત જેવી બાબતો હવે પડતી મૂકવામાં આવશે. આવતીકાલ 22મેથી આ નિર્ણયનો અમલ શરૂ થઈ રહ્યો છે. મહેસૂલ વિભાગની અધિસૂચના કહે છે- આશરે 23,000 રહેણાંકોને આ નિર્ણયની અસરો થશે.

અત્રે ઉલ્લેખનિય છે કે, પાછલાં 8 વર્ષ દરમિયાન આ તમામ વિષયમાં સરકારે વિવિધ સુધારાઓ દાખલ કર્યા બાદ પણ કેટલીક બાબતોને કારણે આ પ્રોસેસમાં વિઘ્નો આવતાં હતાં. આખરે ગત્ 28મી માર્ચના રોજ મહેસૂલી અધિકારી તરફથી કોઈ પણ લેણાં બાકી નથી એવું ના-વાંધા NOC પ્રમાણપત્ર મિલકતધારકને, સૂચિત સોસાયટીઝને ઉપલબ્ધ થઈ શકે તે પ્રકારનો સુધારો જાહેર થયો હતો. જેનો અમલ આવતીકાલ ગુરૂવારથી થઈ રહ્યો છે.
