Mysamachar.in:અમદાવાદ
તથ્ય પટેલને સાંકળતા અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં નવ જિંદગીઓ હણાઈ જતાં, સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલાં આ કેસમાં આઠ સાક્ષીઓના નિવેદનો સીઆરપીસીની કલમ-164 હેઠળ નોંધવામાં આવ્યા છે. આ તકે કલમ-164 શું છે ? તે જાણવું આવશ્યક લેખાશે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ પાસે કુલ 191 સાક્ષીઓની યાદી છે. જે પૈકી 8 સાક્ષીઓએ સીઆરપીસીની કલમ-164 હેઠળ અદાલતમાં એકરારનામું નોંધાવ્યું છે. જે એક પ્રકારનું કન્ફેશન સ્ટેટમેન્ટ છે. જે કાયદાકીય કબૂલાત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ પણ ગુનામાં પોલીસ સમક્ષની કબુલાત અદાલતમાં માન્ય નથી રહેતી. જેથી કલમ-164 હેઠળ, ખાસ કિસ્સાઓમાં એકરારનામું નોંધવામાં આવે છે.
સીઆરપીસી એટલે કે ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ-164 સમજવી જરૂરી લેખાય. આ કલમ કહે છે : કોઈ પણ કેસમાં ફરિયાદી, નજરે જોનાર સાક્ષી કે સાક્ષીઓ અથવા ભોગ બનનાર પોતાનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ અદાલતમાં સ્વેચ્છાએ નોંધાવી શકે છે. કોઈ પણ અતિ ચકચારી કેસમાં કે પછી કોઈ કેસમાં તપાસનીસ અધિકારી વિરુદ્ધ તપાસ સંદર્ભે આક્ષેપ થયાં હોય, ખાસ કરીને આ પ્રકારના કેસમાં આ કલમ હેઠળ નિવેદનો લેવામાં આવતાં હોય છે. આ ઉપરાંત ઘણાં કેસ એવા પણ હોય છે જેમાં સાક્ષી કે પછી અપરાધી કેસ દરમિયાન વારંવાર પોતાના નિવેદન ફેરવી નાંખતા હોય છે, તેઓને આમ કરતાં અટકાવવા પણ તેઓનાં નિવેદન આ કલમ હેઠળ નોંધવામાં આવતાં હોય છે.
આ ઉપરાંત કોઈ પણ ગુનામાં પીડિત કે અપરાધી સાથે નજીકથી સંકળાયેલી કોઈ વ્યક્તિ અથવા અપરાધ અંગે માહિતી ધરાવતી વ્યક્તિ પણ આ કલમ હેઠળ પોતાનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવી શકે છે. તપાસ એજન્સી દ્વારા લઈ જવાયેલ અથવા સામે ચાલીને કોર્ટ સમક્ષ પહોંચેલી કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે કેસ સંદર્ભે કોઈ મહત્વપૂર્ણ જાણકારી હોય, તે વ્યક્તિ આ કલમ હેઠળ પોતાનું નિવેદન નોંધાવી શકે છે.
કલમ-164 હેઠળ જ્યારે નિવેદન લેવામાં આવે છે ત્યારે મેજિસ્ટ્રેટ, તેનો સ્ટાફ અને નિવેદન આપનાર સિવાય કોઈ પણ ત્યાં હાજર રહી શકે નહીં. નિવેદન આપનારને સાચું બોલવાના શપથ લેવડાવવામાં આવે છે. આ કલમ હેઠળ નિવેદન નોંધવા પીડિતને કોઈ પણ કોર્ટમાં 24 કલાકની અંદર હાજર કરી શકાય છે. તેમાં કોર્ટના જયુરિડિકશનની મર્યાદા નડતી નથી. કોઈ પણ મેટ્રોપોલિટન કે જયુડિશિયલ કોર્ટમાં નિવેદન આપી શકાય છે. નોંધી શકાય છે.
આ કલમ હેઠળ નોંધવામાં આવેલાં નિવેદનને સીલબંધ કવરમાં રાખવામાં આવે છે. આ નિવેદનને સંબંધિત કેસનાં ચાર્જશીટ સાથે સંબંધિત અદાલતમાં મોકલી આપવામાં આવે છે. નિવેદન આપનારની જુબાની જેતે ટ્રાયલ કોર્ટમાં ચાલી રહી હોય ત્યારે, સીલબંધ કવરમાં રહેલું કલમ-164 હેઠળ અપાયેલું નિવેદન કોર્ટ દ્વારા ખોલવામાં આવે છે. આ નિવેદન સીધું જ ટ્રાયલ જજ સમક્ષ ખૂલતું હોય, આ નિવેદનને મહત્વનો પુરાવો લેખવામાં આવે છે.
ધારો કે કોઈ પણ વ્યક્તિ કલમ-164 હેઠળ પોતાનું નિવેદન નોંધાવે પછી, ટ્રાયલ કોર્ટમાં પોતાનું નિવેદન બદલાવી નાંખે તો તેવા કિસ્સામાં અદાલત તે વ્યક્તિને હોસ્ટાઈલ જાહેર કરે છે. ઘણી વખત ફરિયાદી, ભોગ બનનાર, નજરે જોનાર સાક્ષી કે આરોપી પોતાનું નિવેદન બદલાવી નાંખશે એવી શંકા હોય તેવા કિસ્સામાં પોલીસ સામેથી એવો આગ્રહ રાખે છે કે, આ પ્રકારના લોકોનાં નિવેદન કલમ-164 હેઠળ લેવામાં આવે.
ધારો કે કોઈ કેસમાં કોઈ વ્યક્તિ આ પ્રક્રિયા દરમિયાન હોસ્ટાઈલ જાહેર થાય છે તો, તેવા કિસ્સામાં તેનાં કલમ-164 હેઠળનાં નિવેદનને પ્રાધાન્ય આપવામાં આવે છે. જો આરોપી અથવા સાક્ષી પોતાનું નિવેદન બદલાવી નાંખે, હોસ્ટાઈલ જાહેર થાય તો તેવા કિસ્સામાં મેજિસ્ટ્રેટ સામે સવાલ ઉઠાવી શકાય નહીં. સેશન્સ કોર્ટ મેજિસ્ટ્રેટ પાસે ખુલાસો માંગી શકે નહીં. કેમ કે તે વ્યક્તિએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપેલું હોય છે, નિવેદન નીચે પોતાની સહી પણ કરેલી હોય છે. તેથી આ નિવેદન પબ્લિક ડોક્યુમેન્ટ બની જાય છે. તે જાહેર દસ્તાવેજ છે. જેથી તેનાં માટે કોઈ ફોર્મલ પ્રૂફની જરૂર રહેતી નથી. તે મહત્વનાં પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.