Mysamachar.in-જામનગર:
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, આવો જ એક અજબ ગજબ નો કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. ગઈકાલે વેલેન્ટાઈન ડેના દિવસે જ પ્રેમિકાના પિતા પર પ્રેમીએ હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પ્રેમિકા પ્રેમીની વિરુદ્ધ કંઈ બોલવા તૈયાર ન થતા અંતે મજબૂર પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે,
આ કહેવાતા પ્રેમપ્રકરણની જાણે વિગત એવી છે કે જામનગરના મયુરનગરમાં રહેતા પ્રવીણભાઈની પુત્રીને છેલ્લા દોઢ વર્ષથી પાડોશમાં જ રહેતા રાજુ નામના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ યુવતીના પિતાને થતાં રાજુના પરિવાર ને ત્રણ થી ચાર વખત આ અંગે સમજાવ્યા હતા, પરંતુ બંને પ્રેમી પંખીડા એટલા તો પ્રેમમાં ગળાડૂબ છે કે કોઈની વાત માનવા તૈયાર નથી. તેવામાં ગઇકાલે પણ પ્રવીણભાઈ રાજુ ના ઘરે પોતાની પુત્રી સાથે સંબંધ તોડી નાખવા અંગે સમજાવા ગયા હતા, પણ રાજુ ઉશ્કેરાઇને પ્રેમિકાના પિતા ઉપર જ હુમલો કરીને મારામારી કરતાં અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો,
આ અંગે તપાસનીશ પોલીસ હેડ કોન્સટેબલ એમ.પી.મેરે જણાવ્યુ હતું કે, જ્યારે યુવતી અને તેના પિતાની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં યુવતીને આ યુવક પરેશાન કરતો હોય તો તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું, પરંતુ યુવતી પોતાના પ્રેમી વિરુદ્ધ એક શબ્દ સાંભળવા તૈયાર ન હતી અને અંતે પોલીસ દ્વારા યુવતીના પિતાની ફરિયાદ લઈને રાજુ મારાજ નામના યુવક સામે સીટી-સી પોલીસમથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.