Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા શહેર નજીક આવેલી મહત્વની ગ્રામ પંચાયત રામનગર ખાતેના આશરે 2 કિ.મી. જેટલા માર્ગનું કામ છેલ્લા એક વર્ષ જેટલા સમયથીઅધૂરું હોય, આ ગંભીર મુદ્દે આખરે કંટાળેલા ગ્રામજનોએ તંત્રને લેખિત રજૂઆત કરી, રોડ ઉખેડી નાખવાની તેમજ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ખંભાળિયા શહેરની સંલગ્ન રામનગર ગ્રામ પંચાયત વિસ્તારના રહીશો દ્વારા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ અહીંના જિલ્લા કલેકટરને સામુહિક રીતે પાઠવવામાં આવેલા લેખિત આવેદનપત્રમાં જણાવાયું છે કે ખંભાળિયાના રામનગર ગામમાં આવેલા રામ મંદિરથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ તરફથી જુવાનગઢ ગામ તરફ જતા વર્ષો જૂના ખખડી ગયેલા આશરે બે કિલોમીટર જેટલા રસ્તાને નવેસરથી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જૂન 2024 માસના સમયગાળા દરમિયાન રૂપિયા 1.90 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. તેના કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ કારણોસર આ માર્ગમાં કપચી, પથ્થર પાથરીને કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. જેના કારણે આ માર્ગ પર વાહનો કે ગાડા ચલાવવા તો ઠીક પણ વ્યવસ્થિત રીતે ચાલીને જવું પણ ખૂબ જ કઠિન બન્યું છે. અહીંથી શાકભાજી લઈને પસાર થતાં ખેડૂતો, શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ અવર-જવર કરતા ગ્રામજનો – ધરતીપુત્રોને પણ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે.

આ ગંભીર મુદ્દે અવારનવાર રજૂઆતો થતા પણ નિંભર તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અહીં અવારનવાર વાહન ચાલકોના પડવા-આખડવાના બનાવ તેમજ વાહનોમાં વ્યાપક નુકસાનીના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. નજીકના સમયમાં ચોમાસુ શરૂ થનાર છે. ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા આ મહત્વની બાબતે તાકીદે લક્ષ્ય લઈ અને કોન્ટ્રાક્ટરને રસ્તાનું આ કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માંગ કરવામાં આવી છે. જો નિયત સમયગાળા દરમિયાન અહીં કામ શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા રોડ ઉપર પાથરવામાં આવેલી કાંકરી પોતાના હાથે દૂર કરી અને રામનગરના ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.(તસ્વીર અહેવાલ:કુંજન રાડિયા)
