Mysamachar.in-અમદાવાદ
પેટ્રોલ અને ડીઝલના વાહનો લાખો લોકોને પરવડતા નથી અને પ્રદૂષણરહિત ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા સરકારે અગાઉ સબસિડી જાહેર કરેલી તેથી શરૂઆતમાં ઈલેક્ટ્રીક વાહનોનું મોટું વેચાણ થયું પરંતુ હવે ઈલેક્ટ્રીક વાહનોના વેચાણ પર સબસિડી બંધ થયાની અસરો દેખાઈ રહી છે.
ગુજરાતમાં હાલ કુલ અઢી કરોડથી વધુ વાહનોનું વેચાણ નોંધાયેલું છે, અને પાછલાં પાંચ વર્ષ દરમિયાન સૌથી વધુ વાહનો 2023માં વેચાયા. ગુજરાતમાં 2023માં 18.20 લાખ વાહનોનું વેચાણ થયું. જેમાં 88,615 ઈલેક્ટ્રીક વાહનોનો પણ સમાવેશ થાય છે. જો કે, આ વર્ષે 2024માં ઓક્ટોબર સુધીમાં ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ 44,993 થયું છે. ટુ વ્હીલર ઈલેક્ટ્રીક વાહનોમાં સબસિડી બંધ થતાં વાહનોનું વેચાણ ઘટી ગયું છે.
સુરતમાં ઈલેક્ટ્રીક વાહનો માટે 50 ચાર્જિંગ સ્ટેશન છે, જે પૈકી મોટાભાગના ધૂળ ખાતી હાલતમાં છે. અમદાવાદ અને વડોદરામાં 12-15 ચાર્જિંગ સ્ટેશન છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કયાંય પણ ચાર્જિંગ સ્ટેશન જ નથી. વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ પીપીપી ના ધોરણે ચાર્જિંગ સ્ટેશન બનાવે છે, જે હાલના સમયમાં રૂપિયાનો બગાડ સાબિત થઈ રહ્યા છે.
કોર્પોરેશનો દ્વારા બનાવવામાં આવતાં ચાર્જિંગ સ્ટેશન પર શરૂઆતના 6 મહિના વાહનો માટે ચાર્જિંગ ફ્રી હોય છે, ત્યારે લોકો લાભ લ્યે છે, પછી મોટાભાગના ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યા હોય છે. સુરતીઓ તો ચાર્જિંગ સ્ટેશન પર જવાનું જ ટાળે છે. ચાર્જિંગ સ્ટેશન બનાવનારી પેઢીઓ માથે હાથ દઈને રડે છે. બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનોનું વેચાણ પણ પૂરબહારમાં નથી.