Mysamachar.in-જામનગર:
જામનગરમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ જવાની ફરિયાદો તથા આ ગટરો બ્લોક થઈ જવાની રજૂઆતો અનેકવખત સપાટી પર આવે છે. આ તમામ ગટરોમાં ગંદા પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થતો રહે એ માટે કમિશનરે એક કડક ચેતવણી હોટેલ સંચાલકો સહીત લગત સૌની જાણ માટે પ્રચારીત કરી છે.
કમિશનર ડી.એન. મોદીએ જણાવ્યું છે કે, શહેરમાં નાની મોટી હોટેલ રેસ્ટોરન્ટ આવેલાં છે, સમાજવાડીઓ અને ખાણીપીણીની અનેક લારીઓ છે. આ તમામ ધંધાર્થીઓ તથા જ્ઞાતિની વાડીઓના સંચાલકો કચરાના નિકાલ માટે ધ્યાન આપે. કોઈએ પણ નજીકની ભૂગર્ભ ગટરમાં ઘન કચરો ઠાલવવો નહીં. આવા સ્થળોએ જાળીવાળી ગટર રાખવી, ભૂગર્ભ ગટરમાં માત્ર ગંદા પાણીનો જ નિકાલ કરવો.
જો તપાસણી દરમિયાન કોઈ કસૂરવાર જણાશે તો, પ્રથમ વખત એમને દંડિત કરવામાં આવશે અને પછી પણ જો આ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે તો, આ ધંધાકીય એકમો અથવા વાડી જેવી જગ્યાઓ ‘સીલ’ કરી દેવામાં આવશે. અને યોગ્ય વ્યવસ્થાઓ બાદ જ આ સીલ ખોલી ફરીથી વ્યવસાય કરવાની પરવાનગી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ અગાઉ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરની કેટલીય હોટેલોને રૂ. 10-10 હજારનો દંડ આ બાબતે કરેલો. આ ઝુંબેશ ફરીથી મોટાપાયે શરૂ થશે અને કડક ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. ખરેખર તો નગરજનોએ આ વ્યવસ્થાઓ જાળવવા તંત્રને સહયોગ આપવો જોઈએ.