માણસોની સમસ્યાઓ ઉકેલવાના કયાંય, કોઈ ઠેકાણાં નથી. રજૂઆત, આવેદન, ધરણાં અને આંદોલન થતાં રહે છે. બીજી તરફ…રખડતાં પશુઓ અને લોકોને કરડી લેતાં શ્વાનોની ચર્ચાઓ પણ જામનગરથી માંડી સુપ્રિમ કોર્ટ સુધી પૂરબહારમાં ચાલી રહી છે.
ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લાથી માંડી સમગ્ર ગુજરાતમાં રખડતાં કૂતરાંનો ત્રાસ છે. લાખો લોકોને કૂતરાં કરડી રહ્યા છે. નાના બાળકોને તો કૂતરાં રીતસર મરણતોલ ઈજાઓ પણ કરે છે. મહિલાઓ અને વૃદ્ધો ફફડી રહ્યા છે. ઘણાં શહેરોમાં તો કૂતરાં કરડી ગયા હોય એવા ઈજાગ્રસ્તોને આપવાના થતાં ઈન્જેક્શનની પણ અછત હોય છે. આ સાથે જ કેટલાંક શ્વાનપ્રેમીઓ રખડતાં કૂતરાં સંબંધે અલગ પ્રકારની દલીલો કરી રહ્યા છે અને કાર્યક્રમો પણ આપી રહ્યા છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, સુપ્રિમ કોર્ટે ગત્ 11 ઓગસ્ટે રખડતાં કૂતરાં સંબંધે એમ કહેલું કે, આ બધાં જ કૂતરાં પકડી તેને શેલ્ટર હોમમાં બંધ કરી દો. પછી જો કે આ વાત આગળ વધતાં સુપ્રિમ કોર્ટે પોતાના નિર્દેશમાં સુધારો કર્યો છે. કોર્ટે કહ્યું : આ રખડતાં કૂતરાં પકડી તેની નસબંધી (ખસીકરણ) કરો અને જે કૂતરાં આક્રમક ન હોય તેને જેતે વિસ્તારમાં પરત છોડો અને હિંસક કૂતરાં શેલ્ટર હોમમાં રાખો.
અત્રે નોંધનીય છે: સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, જાહેરમાં કૂતરાંઓને ખોરાક આપવો યોગ્ય નથી. તેના માટે ખાસ ફીડીંગ સેન્ટર બનાવવા જોઈએ. અહીં એ પણ ઉલ્લેખનિય છે કે, અમદાવાદ મહાનગરપાલિકા જાહેરમાં ગાય-કૂતરાંને ખોરાક આપનારને દંડ કરવાની દિશામાં ગંભીર વિચારણા કરી રહી છે. જામનગરમાં શ્વાનપ્રેમના ગુણગાન ગવાઈ રહ્યા છે.
બીજી તરફ એ પણ કડવી હકીકત છે કે, જામનગરમાં દર મહિને સરેરાશ કૂતરાં કરડવાના 1,000-1,100 બનાવો ચોપડે નોંધાઈ રહ્યા છે. લોકો કૂતરાંના ત્રાસથી ત્રાહિમામ્ છે. કોર્પોરેશને પાલનપુરની એક ખાનગી કંપનીને રૂ. 4 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે અને જે અંતર્ગત શહેરમાંથી રોજ બે પાંચ કૂતરાં પકડી તેનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીઓ 25 જૂલાઈથી ચાલુ છે એવું મહાનગરપાલિકાએ હવે કહ્યું છે.