જામનગર મહાનગરપાલિકાને વર્ષોથી ‘કચરા’ સાથે ગાઢ સંબંધ છે, અને ભવિષ્યમાં પણ ‘કચરો’ કોર્પોરેશનમાં કેન્દ્રસ્થાને રહેશે એવું કોર્પોરેશનની વર્તમાન ‘ચાલ’ પરથી કહી શકાય- એમ જાણકારો કહી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીએ આજની બેઠકમાં આ સંબંધે જે નિર્ણય લીધો તેના પરથી એટલું તો જાણકારોના ધ્યાન પર આવી જ ગયું કે, કચરા કલેક્શનના નવા કોન્ટ્રાક્ટને હજુ હમણાં અમલી બનાવવાનો વ્યૂહ નથી કારણ કે, વર્તમાન કોન્ટ્રાક્ટરોની ‘તબિયત’ વધુ તગડી બનાવવામાં મનપાને વધુ રસ છે. કારણ ? દશરથપુત્ર રામ જાણે…!
સ્ટેન્ડિંગ કમિટીએ આજની બેઠકમાં એજન્ડા નંબર 25માં એવો નિર્ણય જાહેર કર્યો કે, શહેરના અલગઅલગ આઠેય ભાગોમાંથી તમામ કચરાનું કલેક્શન કરાવી, આ કચરો ડમ્પિંગ સાઈટ પર ઠાલવવા માટે, હાલના 2 કોન્ટ્રાક્ટરોને વધુ 90 દિવસ માટે ‘કામ’ અને એ રીતે ‘દામ’ આપવામાં આવે કારણ કે, નવો કોન્ટ્રાક્ટ હજુ ફાઇનલ થયો નથી. જો કે સત્તાવાર વિગતો એવી પણ છે કે, આ નવા કોન્ટ્રાક્ટની ફાઇલ કમિટીના કબજામાં જ છે પરંતુ આ ફાઇલ પર કંકુ ચોખા સાથેનો ‘થાપો’ ક્યારે લગાવવો-એ અંગે કમિટી (અતિ) ઉંડી વિચારણાઓ કરી રહી છે. જાણકારો અહીં એમ પણ ઉમેરે છે કે, નવા કોન્ટ્રાક્ટ માટેની કવેરીઝ અને નેગોશિએશન સહિતની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે.
મનપા જાણે કે વર્તમાન કોન્ટ્રાક્ટર સાથે કોઈ commitment થી બંધાયેલી હોય, એવું જોવા મળી રહ્યું છે અને તેથી નવા કોન્ટ્રાક્ટરે હજુ સુધી વણબોલાયેલો ‘નનૈયો’ સાંભળવો પડી રહ્યો છે ! સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ જો કે આ ફાઇલ કલીયર કરી ચૂક્યું છે-એમ પણ જાણકારો કહી રહ્યા છે. એથી આ વિલંબનું રહસ્ય વધુ ઘેરૂં બની રહ્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, નવો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે છે અને મામલો રૂ. 270 કરોડનો છે. જેમાં ઘણાં ‘મીંડા’ હોવાથી વિલંબ થઈ રહ્યાનું પણ સૂત્ર જણાવે છે.
દરમ્યાન આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીએ જાહેર કર્યું કે, કચરા કલેક્શન માટેની હાલની વ્યવસ્થાઓ અંતર્ગત આગામી 3 માસ માટે પ્રોરેટા અનુસાર વધુ રૂ. 9 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવે છે.