Mysamachar.in-જૂનાગઢ
સરસ મજાના સંતરા, વીટામીન સી થી ભરપુર મોસંબી અને પાઇનેપલ વચ્ચે એકદમ કાળો કે જાંબુડી રંગનો ઢગલો પડ્યો હોય એ રાવણાંને જોઇને જ મોઢામાં પાણી આવશે. કોરોનાના કપરા સમયમાં તન અને મનને ટાઢક આપતા જૂનાગઢી રાવણાં ઔષધિય ગુણોથી ભરપુર છે. રાવણાં કહેતા જાંબુ ડાયાબીટીશના દર્દી માટે પારંપારિક ઔષધ છે. રાવણાંની છાલ, ગર્ભ અને ઠળિયા બધું જ ડાયાબીટીશના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ રાવણાં વિશે જૂનાગઢ કૃષિ યુનિ.ના હોર્ટીકલ્ચર વિભાગના પ્રોફેસર અને હેડ ડો. ડી.કે. વરૂએ કહ્યું કે, રાવણાંના બગીચા જુંજ માત્રામાં છે.
ખેડૂતો ગ્રીન બેલ્ટ તેમજ પવન અને તડકાના મારથી આંબાના બગીચાને રક્ષિત ફરતે રાવણાંના ઝાડ વાવે. છે. જૂનાગઢ પાસેના સોડવદર, ઘુડવદર, વિજાપુર અને જૂનાગઢ કૃષિ યુનિ. માં થોડા બગીચા છે. બાકી આંબાના બગીચા ફરતે ખેડૂતો 10 થી 25 ઝાડ ઉછેરે છે. રાવણામાં સારો પાક હોય તો ખેડૂતને રાવણાંનું એક ઝાડ ૫ થી 20 હજારની આવક રળી આપે છે.
નાના બાળકોને પેટમાં કૃમિની સમસ્યા રહેતી હોય રાવણાનું સેવન લાભદાયી છે ત્વચાને પણ સુંદર રાખતા રાવણાંનું ઘર જૂનાગઢ કૃષિ યુનિ. છે. અહિં રાવણાંના બે બગીચા ઉપરાંત અંદરના રોડ રસ્તાઓ ઉપર અનેક છુટાછવાયા ઝાડ છે. આમ તો સોરઠ રાવણાંનું હબ છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં રાવણાંના વેપારી પેઢી નરેશકુમારના માલીકના જણાવ્યા મુજબ અહિંના રાવણાંની દિલ્હી, બેંગ્લોર, મુંબઇ અને અમદાવાદમાં જબરી ડિમાન્ડ છે. દિલ્હીના વેપારી જૂનાગઢ યાર્ડમાંથી રાવણાં લઇ એક-એક કીલોનાં પેકીંગ બનાવી દિલ્હી મોકલે છે.
ઔષધિય ગુણોથી ભરપુર રાવણાં હાલ જૂનાગઢ અને વંથલીની બજારોમાં આવવા લાગ્યા છે. રૂા. 100 થી માંડીને 250 ના કીલોના ભાવે મળતા રાવણાં ટોપલા લઇને વેંચતી બહેનો માટે રોજગારીનું માધ્યમ પણ છે. રાવણાંનો ઇજારો રાખી વહેલી સવારથી બપોર સુધી રાવણાં ઉતારતા પરિવારની મહિલા સભ્યો ટોપલો ભરીને વેંચવા આવે અને એક બે પેસા રળી ઘરે જાય ત્યારે એના ચહેરા પરનો આનંદ સ્પષ્ટ જોઇ શકાય છે. પરંતું રાવણાં વેંચતી આ બહેન આપણે રૂા. 50 ના પાંચસો ગ્રામ રાવણાં કહે અને આપણે રૂા. 75 નો કીલો માગી ભાવતાલ કરવાથી દુર રહીએ તો એ બહેન તમને રૂા. 100 નો કિલોમાં વજન વધારે આપશે એ એના જીવનની મોટાઇ છે.
સંકલન- અર્જૂન પરમાર-માહિતી બ્યુરો, જૂનાગઢ