Mysamachar.in-અમદાવાદઃ
21મી સદીમાં ભલે મસમોટી ટેક્નોલોજી આવી ગઇ હોય પરંતુ સમાજમાં આજે પણ મહિલાઓની સ્થિતિ પહેલા જેવી છે, છાસવારે દુષ્કર્મની ઘટનાથી લોકો માત્ર સોશિયલ મીડિયા પર રોષ ઠાલવીને રાજી થઇ રહ્યાં છે, પરંતુ હકીકતમાં આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે, એવું એટલા માટે કારણે એક એવી ઘટના સામે આવી છે, જેનાથી સમાજની આંખ ઉઘાડવાની જરૂર છે. સુરતના સચિન વિસ્તારમાંથી ગુમ થયેલી 15 વર્ષીય કિશોરી 6 મહિના પહેલા 70 હજાર રૂપિયામાં કોઈ અજાણ્યા વ્યક્તિને વેચાઈ હતી, આ વ્યક્તિએ 6 મહિના સુધી અમદાવાદમાં લાવીને કિશોરી પર દુષ્કર્મ આચર્યું. હાલ સુરત પોલીસે અમદાવાદમાંથી આ વ્યક્તિને ઝડપીને કિશોરી છોડાવી વધુ તપાસ હાથ ધરી છે.
વાત એવી છે કે સુરતમાં માતા-પિતાએ થોડા સમય પહેલા તેમની કિશોરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ તપાસ કરતાં પોલીસને બાતમી મળી કે એક સગીરા અમદાવાદના સેજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીના ઘરે છે, પોલીસે અમદાવાદમાં આવીને રેડ કરી તો અહીં સુરતની 15 વર્ષીય સગીરા મળી આવી, પોલીસે હરીશની ધરપકડ કરી પુછપરછ કરી તો ચોંકાવનારી વિગત સામે આવી, જેમાં આરોપીએ જણાવ્યું કે તેણે 6 મહિના પહેલા 70 હજારમાં કલોલની એક વૃદ્ધ મહિલા પાસેથી કિશોરીની ખરીદી કરી પોતાના ઘરે લઇ આવ્યો હતો. અહીં કિશોરીને ગોંધી રાથે દુષ્કર્મ આચર્યું હતું. વિગત જાણી ચોંકી ગયેલી પોલીસ ટીમે આરોપીના મેડિકલ ટેસ્ટ તથા યુવતીઓને વેચવાના રેકેટમાં કેટલા લોકો અને હજુ કેટલી માસૂમ આ નરાધમોનો શિકાર બની છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.