Mysamachar.in-સુરત
આજના સમયમાં તરુણાવસ્થામાં પોતાના મોજશોખ પુરા કરવા તરુણો કેવા કાંડ કરે છે, તેનો એક કિસ્સો સામે આવ્યો છે, સુરતના ડુમસ રોડ પર મગદલ્લા બંદર ખાતે રહેતા 12 વર્ષના ટેણીયાને પિતાએ બાઇક લઈ ન આપતા મોજશોખ માટે 15 દિવસમાં 4 વાહનોની ચોરી આ ટાબરિયાએ કર્યાનો ખુલાસો થયો છે, વાહનોની ચોરી કેવી રીતે કરવી તે અંગે મોબાઇલમાં ઓનલાઇન વિડીયો જોઈ ચોરી કરતા શીખ્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે 12 વર્ષની ઉમરે સગીરે છોટા હાથી ટેમ્પો અને એક રિક્ષા ઉપરાંત બે બાઇકોની ચોરી કરી હતી. મોટેભાગે વાહનોની ચોરી કરવા તે રાત્રીના સમયે એકલો નીકળતો હતો. સ્ટીયરીંગ ખુલ્લા હોય તેવા બાઇકોને ડાયરેકટ કરીને ચાલુ કરી દેતો હતો. જયારે ટેમ્પો અને રિક્ષામાં ચાવીની જગ્યાએ પીન જેવુ સાધન નાખીને ચાલુ કરી લઈને નીકળી જતો હતો. પોલીસે બે બાઇકો, રિક્ષા અને છોટા હાથી ટેમ્પો મળી 2.38 લાખનો મુદામાલ કબજે કર્યા છે.