Mysamachar.in-ગાંધીનગર:
સમગ્ર ગુજરાતમાં સમયાંતરે RTI અરજીઓ અને તેમાં બહાર આવતી માહિતીઓની ચર્ચાઓ થતી રહેતી હોય છે. અન્ય, કાયદાઓ માફક આ કાયદો પણ એવો છે જેનો લાભ અને ગેરલાભ- બન્ને બાબતો અંગે ઘણી વિગતો બહાર આવતી રહે છે, તાજેતરમાં સરકારના આ માહિતી વિભાગનો વાર્ષિક રિપોર્ટ જાહેર થયો છે.
ગુજરાત માહિતી આયોગ દ્વારા વર્ષ 2022-23 નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સરકારના કેટલાંક વિભાગો એવા હોય છે, જેમાં લોકોને તે વિભાગો સાથે વધુ પનારો હોય છે. આથી વધુ લોકો આ વિભાગોમાં માહિતીઓ મેળવવા વધુ RTI અરજીઓ કરતાં હોય છે, એવું માનવામાં આવતું હોય છે. પરંતુ આ રિપોર્ટના આંકડાઓ, આ માન્યતાથી અલગ છે. રિપોર્ટ કહે છે, કૃષિ સહિતના 6 વિભાગો એવા છે જેની સાથે લોકો વધુ સંકળાયેલા હોય છે, આમ છતાં આ 6 વિભાગોમાં RTI અરજીઓ પ્રમાણમાં ખૂબ ઓછી મળી છે. આથી આ 6 વિભાગોના આ આંકડાઓની છાનબીન આવશ્યક બની છે, રિપોર્ટમાં ખુદ સરકાર આમ કહી રહી છે.
આ 6 વિભાગોના નામ અને વર્ષ 2022-23 દરમિયાન આ વિભાગોને મળેલી RTI અરજીઓના આંકડાઓ કૌંસમાં આપ્યા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ (913), ખોરાક, નાગરિક પૂરવઠો અને ગ્રાહક બાબતોનો વિભાગ (771), પંચાયત, ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ (680), આરોગ્ય અને પરિવાર કલ્યાણ (639), આદિજાતિ વિકાસ (337) અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ (216)