Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતની કૃષિક્રાંતિની વિશ્વ ઓળખ સમાન કૃષિ મહોત્સવ-ર૦૧૯ની રાજ્યવ્યાપી શૃંખલા આગામી ૧૬ અને ૧૭ જૂન-ર૦૧૯ના દિવસો દરમ્યાન યોજાશે,આ વર્ષે કૃષિ મહોત્સવ રાજ્યના ૩૩ જિલ્લામાં તાલુકા દીઠ ૧ સ્થળે યોજવાના આયોજનને મુખ્યમંત્રી વિજયરૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલની ઉપસ્થિતીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે,
કૃષિ મહોત્સવ-ર૦૧૯ આધુનિક કૃષિ તાંત્રિકતાઓ,જળ સંચય અને જળ સિંચન થકી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ,કૃષિ યાંત્રિકીકરણ થકી ઓછા ખર્ચે સમયસરના ખેતી કાર્યો, સંકલિત પોષણ વ્યવસ્થા થકી જમીનની તંદુરસ્તીની જાળવણી, કૃષિ અને બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારી તેનું મુલ્યવર્ધન, સંકલિત રોગ અને જીવાત નિયંત્રણ,આદર્શ પશુપાલન, સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ અંગેનું માર્ગદર્શન,ખેતી ખર્ચમાં ઘટાડાની સાથે ઉત્પાદનમાં વધારો,પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના,પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના (પીએમ-કિસાન) જેવા વિષયોને આવરી લેવાયા છે.
દરેક જિલ્લાના તાલુકાદિઠ એક કૃષિ મહોત્સવના આ આયોજનને સફળતાપૂર્વક પાર પાડવાના હેતુથી સંબંધિત જિલ્લાના કલેકટરના અધ્યક્ષસ્થાને ૧૦ સભ્યોની અમલીકરણ સમિતીને જવાબદારી સોંપવામાં આવશે.જે તે જિલ્લાના ડી.ડી.ઓ.આ સમિતિના સહઅધ્યક્ષ રહેશે.તેમ પણ આ બેઠકમાં નિર્ધારીત થયુ છે,
જે તે તાલુકાના પ્રગતિશીલ કિસાનોના કૃષિ અનુભવોનું આદાન-પ્રદાન, કૃષિ તજ્જ્ઞોનું માર્ગદર્શન,પશુપાલન વિષયક વ્યાખ્યાનો અને પ્રશ્નોત્તરી તથા કિસાન ગોષ્ઠિ અને સરકારની વિવિધ કૃષિ કલ્યાણ યોજનાના લાભોનું વિતરણ આ મહોત્સવના દિવસે કરાશે.કૃષિ મહોત્સવ સાથોસાથ પશુ આરોગ્ય મેળાઓના રાજ્યવ્યાપી આયોજનથી પશુઓના જટિલ-ગંભીર રોગની સ્થળ પર તપાસ-નિદાન સારવારનો ઉપક્રમ પણ કૃષિ મહોત્સવ સાથે પશુ આરોગ્ય મેળા યોજીને કરવામાં આવશે.એટલું જ નહી,આધુનિક પશુઉછેર-પશુપાલન સંબંધિત જાણકારી અને માર્ગદર્શન પશુપાલન વૈજ્ઞાનિકો-તજ્જ્ઞો પૂરાં પાડશે.