Mysamachar.in-ગાંધીનગર:
વર્તમાન સરકારે વર્ષ 2024/25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 09 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.સરકારે આ 9 મહાનગરપાલિકાની રચનાને મંજૂરી આપીને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની ભૂમિકા આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ 08 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002 માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010 માં રચના કરવામાં આવેલી છે.
ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. આના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીએ કર્યો હતો.
નીતિ આયોગની ‘સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ’ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ સંદર્ભમાં આ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે.રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે.ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.
મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.
વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે.
આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે.
સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે.પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.પ્રવક્તા મંત્રીએ નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળતા જે ફાયદાઓ લોકોને મળશે તેની વિગતો આપતાં ઉમેર્યું કે, નગરપાલિકા/ગ્રામપંચાયતો મહાનગરપાલિકામાં રૂપાંતરિત થવાથી ત્વરિત, કાર્યક્ષમ અને પારદર્શી પ્રક્રિયા સાથે વહીવટ વધુ સુદ્રઢ થશે.
આ ઉપરાંત રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,આરોગ્યલક્ષી સેવાઓ, શિક્ષણ, સ્ટ્રીટલાઇટ, બાગ બગીચા, કોમ્યુનીટી હોલ તથા ટ્રાન્સપોર્ટેશન વગેરે જેવી પાયાની સુવિધાઓ સુનિયોજિત રીતે મળતી થશે.મહાનગરપાલિકામાં જે ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવે છે તેના નાગરિકોને તમામ નાગરિક સુવિધાઓ સમયસર અને સુઆયોજિત મળી રહે તે માટે રાજ્ય સરકાર જરૂરી તમામ નાણાંકીય તેમજ વહીવટી સપોર્ટ પૂરો પાડશે
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મહાનગરપાલિકાઓમાં શહેરી આયોજન (અર્બન પ્લાનિંગ) ટી.પી. સ્કીમ મહાનગરપાલિકા બનવાથી તેમાં વસતા લોકો ઉપરાંત નજીકના વિસ્તારોમાં વસતા લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થશે. આ વિસ્તારોમાં એક જ કેન્દ્ર પરથી વધુ વ્યાપક પ્રમાણમાં સેવાઓ પૂરી પાડી શકાશે અને નાગરિકોનું જીવનધોરણ ઊંચુ આવશે.
એટલું જ નહિ, સમયાંતરે નવી મહાનગરપાલિકાઓમાં બી.આર.ટી.એસ., મેટ્રો રેલ, રિવરફ્રન્ટ જેવા વિશેષ પ્રોજેક્ટ્સ અમલમાં આવશે, તેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થશે અને રાજ્ય સરકારની “સૌનો સાથ, સૌનો વિકાસ”ની નેમ સાથે ઇઝ ઓફ લિવિંગને નવું પીઠબળ મળશે.
-બનાસકાંઠાની વર્ષો જૂની માંગણી સંતોષતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને 2025 ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે.
હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે.
હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે. બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી/ભૌગોલિક/આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યુ છે. આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતું ભંડોળ/ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં વધારો થશે તેમ જણાવતા પ્રવક્તા મંત્રીએ કહ્યુ કે, હવે આ નવા બનનારા વાવ-થરાદ જિલ્લા સાથે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા 34 થશે.