Mysamachar.in:જામનગર
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આગામી 31મી એ એટલે કે ગુરુવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી, જામનગરની આ તેઓની પ્રથમ મુલાકાત હોય, પક્ષમાં તેઓની આ મુલાકાતને સ્વાભાવિક રીતે જ ભારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેઓ 31મી એ સવારનાં ભાગમાં પક્ષનાં સ્થાનિક હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે ત્યારબાદ બપોરે 01:45 વાગ્યે શાસકપક્ષની જોહુકમીને પડકાર આપવા, ચેમ્બર ઓફ કોમર્સ (ગુલાબનગર)થી કલેક્ટર કચેરી સુધીની પક્ષનાં યુવા નેતાઓની બાઈકરેલીમાં જોડાશે અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ગુરુવારે સાંજે પાંચ વાગ્યે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં સમસ્ત રાજપૂત સમાજની સંસ્થાઓ દ્વારા ક્રિકેટબંગલા સામે આવેલાં રાજપૂત સમાજની વાડીમાં તેઓનો સન્માન સમારોહ યોજવામાં આવશે જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.