Mysamachar.in-ગાંધીનગરઃ
જામનગર સહિત રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ધરતીના તાતને રોવાનો વારો આવ્યો છે. ત્રણ દિવસમાં 1થી વધુ ઇંચ વરસાદને કારણે ઉભા પાક પર માઠી અસર પહોંચી છે. કેટલાક ખેડૂતોના ખેતરનું ધોવાણ થઇ ગયું છે. ત્યારે હવે ખેડૂતો સરકારની મદદની રાહ જોઇ રહ્યાં છે, એવામાં રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, રાહત કમિશનર તથા કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયો અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી.
પત્રકાર પરિષદમાં કૃષિ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું કે મુખ્યમંત્રી સાથે કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં પાક વીમા અંગે ખેડૂતોની સુવિધા માટે જિલ્લા પ્રમાણે ટોલ ફ્રી નંબર જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ટોલ ફ્રી નંબર પર ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકશે.આ નંબરની મદદથી ખેડૂતો પોતાના ખેતરમાં થયેલા પાક નુકસાન અંગેની ફરિયાદ નોંધાવશે, ત્યારબાદ સરવે હાથ ધરી વળતર ચૂકવણી અંગે ફાઇલ તૈયાર કરવામાં આવશે. આ સવે બે તબક્કામાં હશે, જેમાં પ્રથમ જે ખેડૂતોએ પાક વીમો ઉતરાવ્યો છે તેઓએ વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. વીમા કંપની રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળી સરવે કરશે.બીજા તબક્કામાં સરકારની જાહેરાત પ્રમાણે જે વિસ્તારમાં ખેડૂતોએ પાક વીમો નથી લીધો ત્યાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. આવા ખેડૂતોને SDRFના ધારાધોરણ પ્રમાણે સહાય ચૂકવવામાં આવશે.
સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબર :
-રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લા માટે વીમા કંપની : રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કો. છે અને તેમના ટોલ ફ્રી નંબર: 1800 300 24088 છે.
-અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા જિલ્લાના ખેડૂતો માટે વીમા કંપની યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કો. છે જેના ટોલ ફ્રી નંબર : 1800 200 5142 છે.
-જામનગર, મહીસાગર, દાહોદ, ગીર-સોમનાથ, બરોડા, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે વીમા કંપની : ભારતી એક્સા જનરલ ઇન્સ્યોરન્સ કો. છે અને તેના ટોલ ફ્રી નંબર : 1800 103 7712 છે.
-જૂનાગઢ, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, કચ્છ જિલ્લાના ખેડૂતો માટે વીમા કંપની એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કો. ઓફ ઇન્ડિયા લી. (AIC) છે, જેના ટોલ ફ્રી નંબર : 1800 116 515 છે.
-મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, આણંદ જિલ્લાના ખેડૂતો માટે વીમા કંપની યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કો. છે જેના ટોલ ફ્રી નંબર : 1800 200 5142 છે.
-દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા જિલ્લાના ખેડૂતો માટે વીમા કંપની રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કો. છે, જેના ટોલ ફ્રી નંબર : 1800 300 24088 છે.