Mysamachar.in-રાજકોટ:
જ્યાં ઘરના જ ઘાતકી હોય ત્યાં શું થાય…આમ તો કોઈપણ જેલમાં મોબાઈલ સહીત કેટલીય ચીજવસ્તુઓ એવી છે જેનો અંદર વપરાશ પ્રતિબંધિત છે, અને તેની કડક અમલવારી જેલપ્રશાસને કરાવવાની હોય છે, એવામાં છેલ્લા કેટલાય સમયથી રાજકોટ મધ્યસ્થ જેલ વારંવાર વિવાદોમાં આવતી હતી, કારણકે છેલ્લા દોઢ વર્ષથી રાજકોટની જિલ્લા જેલમાં અવારનવાર મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ હતી જેના કારણે રાજકોટ પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાના એક બાદ એક ગુનાઓ નોંધાતા હતા, જે ગુનાઓ રજિસ્ટર થઈ રહ્યા હતા તેમાંથી મોટાભાગના ગુનાઓ અજાણ્યા કેદી અથવા તો અજાણ્યા ઈસમ ના નામે રજીસ્ટર્ડ કરવામાં આવી રહ્યા હતા.
જે સમગ્ર મામલાને ધ્યાનમાં લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એસીપી કક્ષાના અધિકારી સહિતની ટીમની રચના કરવામાં આવી હતી, ત્યારે જાન્યુઆરી 2020થી જુન 2020 સુધીમાં રાજકોટ શહેર પોલીસના ચોપડે જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાવવા મામલે કુલ ૧૧ જેટલા બનાવો રજીસ્ટર્ડ થયા હતા. જે સમગ્ર મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ૧૫ જેટલા આરોપીઓનો જેલમાંથી કબજો મેળવવામાં આવ્યો હતો તેમની ધરપકડ કરવામાં આવી હતી તો સાથોસાથ ધરપકડ કર્યા બાદ તેમની પુછપરછ પણ કરવામાં આવી હતી.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જેટલા પણ આરોપીઓનો જેલમાંથી કબજો મેળવવામાં આવ્યા બાદ તેમની સઘન પૂછપરછ દરમિયાન તેમને કઈ રીતે જેલમાં મોબાઇલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળે છે તે સમગ્ર મામલે ઘરના જ ઘાતકી એટલે કે જેલસહાયકનો સ્ટાફ જ ફૂટલો હોવાનું સામે આવ્યું હતું, અને કેદીઓને આવી વસ્તુઓ પહોચાડવામાં જેલના કર્મચારીઓ પણ સામેલ છે તેની પણ માહિતી આરોપીઓએ તપાસનીશ ટીમ સમક્ષ વર્ણવી દેતા સમગ્ર મામલે આજરોજ જેલમાં ફરજ બજાવતા પાંચ જેટલા કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. હવાલદાર ખીમાભાઈ કેશવાલા, સુબેદાર છોટુભાઈ ચુડાસમા, જેલ સહાયક ભરતભાઈ ખાંભરા, જેલ સહાયક હરપાલ સિંહ સોલંકી,જેલ સહાયક રાજદીપ સિંહ ઝાલાની પણ અટકાયત કરી પુછપરછ કરવામાં આવી છે.