Mysamachar.in-
રોજ સવાર પડે ને રાજ્યમાં એકાદ ગમખ્વાર અકસ્માતની ઘટના નજર સમક્ષ જ હોય એવામાં ગતરાત્રીના વધુ એક અકસ્માતની મોટી ઘટના સુરેન્દ્રનગર જીલ્લામાં સામે આવી જ્યાં લખતર તાલુકાના વણા ગામ પાસે મોડી રાત્રે ST બસ પલટી મારી જતા અકસ્માત સર્જાતા બસમાં સવાર મુસાફરોમાં દેકારો મચી ગયો હતો. અને ઘટનામાં 40થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે. જેમાંથી કંડક્ટર સહિત 2 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
એસટી બસમાં પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલા યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.જે બસનો અકસ્માત થયો તે દિયોદર-જૂનાગઢ રૂટની ST બસ હતી. જે બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી તે દરમિયાન વણા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ST બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.