Mysamachar.in:ગુજરાત
દેશભરમાં કોરોનાકાળ સમયે શિક્ષણને સૌથી વધુ માઠી અસરો પહોંચી હતી. જેને કારણે ગુજરાતમાં પણ માસ પ્રમોશન આપવામાં આવેલું. અને ત્યારબાદ પણ ધોરણ 1થી 8 માં વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતાં ન હતાં. કૃપાગુણ આપી આગળનાં વર્ષમાં મોકલી આપવામાં આવતાં હતાં. આ પોલિસીને નો-ડિટેન્શન પોલિસી કહેવામાં આવતી હતી. જેમાં લોકસભાએ થોડો સુધારો કર્યો છે. લોકસભાએ નિર્ણય કર્યો છે કે, આ પોલિસીનો અમલ કેવી રીતે કરવો, તે દરેક રાજય પોતાની રીતે જોઈ શકશે. લોકસભામાં થયેલાં આ સુધારા પછી, ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે – ધોરણ 5 અને ધોરણ 8 માં જે વિદ્યાર્થીઓ 35 ટકા કરતાં ઓછાં ગુણ પ્રાપ્ત કરશે તેઓને આ વર્ષથી નાપાસ કરવામાં આવશે.
આ નાપાસ વિદ્યાર્થીઓએ ફરી વખતની પરીક્ષા આપવાની રહેશે. આ પરીક્ષા બે માસની અંદર લેવામાં આવશે. આ ફરી વખતની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થશે તેઓને જ આગળનાં વર્ષમાં એટલે કે ધોરણ 6 અને ધોરણ 9 માં પ્રવેશ મળી શકશે. શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય એટલાં માટે કરવામાં આવ્યો છે કેમ કે, નબળાં વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે તો શિક્ષણ પર તેની અસરો પડે. હવે કોરોનાનો ભય દૂર થયો છે. તમામ શાળાઓમાં નિયમિત રીતે શિક્ષણકાર્ય ચાલુ છે. આગામી એપ્રિલ મહિનામાં આ પરીક્ષાઓ શરૂ થવાની છે એ પહેલાં શિક્ષણ વિભાગે આ નવો નિર્ણય જાહેર કરી દીધો છે અને તમામ શાળાઓને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે.






