Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ હડીયાણાના કંકાવટી નદીના કાંઠે પૌરાણિક ઐતિહાસિક હડિયાણા નામે ગામ આવેલ છે. આ ગામનું પ્રાચીન નામ હરિપુર હતું. હાલમાં આ હરિપુર ગામનું નામ હડિયાણા છે. એક સમયે આ ગામ ઔદિચ્ય બ્રાહ્મણોની વસ્તીથી છલકાતું હતું. આ ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણોના આશરે 350 જેટલા ઘરો હતો. જ્યારે પણ બ્રાહ્મણ સમાજની નાત તેડાવવામાં આવતી, ત્યારે આશરે 42 મણ ચૂરમાના લાડવા બનાવવામાં આવતા હતા.
બ્રાહ્મણોની વસ્તીવાળા આ હડિયાણા (હરિપુર) ગામના આથમણાં પાદરેથી કંકાવટી નામની નદી વહે છે. આ કંકાવટી નદીના કિનારે આથમણી દિશાએ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન શિવજી બિરાજમાન છે. આ મંદિરની બાજુમાંથી કંકાવટના નિર વહે છે અને આ નદીના કિનારે જ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય આવેલ છે. આશરે 6 ફૂટ ઊંચી આરસની ફરસબંધી પર મંદિરના ગગનચુંબી શિખરો અહીંથી પસાર થનાર કોઈપણને આકર્ષે છે.
શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં એક અત્યંત પ્રાચીન શિલાલેખ આવેલ છે. જે કાળક્રમે ખવાઈને ભુસાઈ ગયેલ છે. છતા આ જુના ખવાઈ ગયેલ શિલાલેખ પરથી અને ઈતિહાસકારોની ગવાહી પરથી જાણી શકાય છે કે સંવત 0577 માં રાજા ગોંડ પંડિત કાનાજીએ આ કાશી વિશ્વનાથ મહાદેવનું ભવ્ય શિવાલય બનાવડાવ્યું હતું. વળી, આ શિલાલેખ પરથી એ પણ સાબિત થાય છે કે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પ્રાચીન છે.

હાલ, હડિયાણા વિસ્તારમાં રહેતા બ્રાહ્મણો તથા અન્ય ભાવિકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની ભાવભરી ભક્તિ કરે છે તથા સમગ્ર ગામના લોકો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં મસ્તક ટેકવવા જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં મંદિરને શણગાર કરી સુશોભિત કરવામાં આવે છે, ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે તેમજ મંદિરમાં કિર્તન બોલવામાં આવે છે. આ સમયે આજુબાજુના વાતાવરણમાં ગામમાં એક અનોખો જ માહોલ સર્જાય છે. આની સાથોસાથ પવિત્ર શ્રાવણ માસમાં સાતમ, આઠમ, નોમ તેરસ, ચૌદસ અને અમાસના દિવસે આ મંદિરના મેદાનમાં ગ્રામ્ય નાના લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
આ ગામમાંથી અનેક બ્રાહ્મણ વિદ્વાન પંડિત હાલ વિદેશમાં વશે છે, આ ગામની મુળ વતન સમાં તથા જાણીતા કવિ અને સાહિત્યકાર કરસનદાસ માણેકના જન્મ સ્થાન એવા હડિયાણાનો પ્રાચીન ઈતિહાસ હજુ ઘણો જાણવા જેવો અને માણવા જેવો છે, ગાયોના રક્ષા કાજે અનેક લોકોએ આ ગામમાંથી શહીદી વહોરી લીધી છે. તેમના પરિવારજનો આજે પણ ગામમાં મોજુદ છે. તેમના પરિવારજનો આજે પણ કાળી ચૌદસના દિવસે નૈવેધ ધરવા માટે આવે છે. આ ગામમાં રાવલ પરિવારના કુળદેવી શ્રી ખંભલાવ માતાજીનું પૈરાણિક મંદિર વર્ષોથી બિરાજમાન છે, એ જ રીતે માંડવિયા પરિવારમાં રાવલ, પંડ્યા, સોની પરિવારના કુળદેવી પણ છે, નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે આ માતાજીના મંદિરે નવચંડી હોમ હવન કરવામાં આવે છે. દેશ વિદેશથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. હડિયાણા ગામે પાંચ શિવમંદિર આવેલ છે. જે સ્વયંભુ પ્રગટ થયેલા છે. (1) શ્રી વિશ્વનાથ મંદિર (2) શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર (3) શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર (4) શ્રી સુખનાથ મહાદેવ મંદિર (5) શ્રી જાગનાથ મહાદેવ મંદિર (તસ્વીર અને અહેવાલ શરદ રાવલ હડીયાણા)