Mysamachar.in:જામનગર
જામનગર નજીકનાં દરેડમાં આવેલી પંજાબ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરુમમાં સ્પાય કેમેરો મળી આવતાં ચકચાર મચી છે. સવાલ એ ઉભો થયો છે કે, બેંકનાં મહિલા કર્મચારીઓ અને આ વોશરુમનો ઉપયોગ કરનાર અન્ય મહિલાઓની પ્રાઇવસીનો ભંગ થઈ રહ્યો છે. જામનગરનાં પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મુદે બેંકનાં એક મહિલા કર્મચારીએ બેંકનાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. બેંકની આ શાખા દરેડ ઉદ્યોગનગર ફેઈઝ થ્રી માં મહાવીર સર્કલ નજીક આવેલી છે. આ બેંકમાં નોકરી કરતાં બિહારનાં વતની એવાં મધુલતાકુમારીએ આ સ્પાય કેમેરા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
14મી ઓગસ્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આ મહિલાએ જણાવ્યું છે કે, ગત 10મી ઓગસ્ટે બપોરે એકથી સવા વાગ્યા દરમિયાન તેઓ બેંકનાં લેડીઝ વોશરુમમાં ગયા ત્યારે વોશરુમમાં સ્પાય કેમેરો સેટ કરવામાં આવ્યો હોવાનું તેઓનાં ધ્યાનમાં આવ્યું હતું. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બેંકશાખાનાં ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે.
ફરિયાદી મહિલાનાં ગુપ્ત ફોટો કે વીડિયો મેળવી લેવા મેનેજરે આ કૃત્ય આચર્યું છે. મેનેજર અખિલેશ સૈની હરિયાણાનાં વતની છે અને હાલ જામનગરમાં વસવાટ કરે છે. આ મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ IPCની કલમ 354(c) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ પોલીસ ફરિયાદને કારણે બેંક વર્તુળ ઉપરાંત સમગ્ર ઉદ્યોગનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.