Mysamachar.in-સુરત
કોરોના વાયરસને લઈને હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે ઘણા લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. આવા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે ગઈકાલે સુરતના વેસુમાં એક રમૂજી કિસ્સો બન્યો હતો. વાત એવી છે કે લૉકડાઉન વચ્ચે પત્ની સાથે ઘર બહાર નીકળેલો પતિ પોલિસને જોઈને પત્નીને લીધા વગર જ ભાગી ગયો હતો. ચાર રસ્તા ખાતે પોલીસને જોઈને પતિ તેની પત્નીને કારમાંથી ઉતારીને કાર લઈને ભાગ્યો હતો. જે બાદમાં પત્નીએ પણ કાર પાછળ આશરે 500 મીટર સુધી દોટ લગાવી હતી પરંતુ તેનો પતિ ના રોકાતા જોયા જેવા દ્રશ્યો સર્જાયા હતા,
વેસુમાં એક દંપતી લટાર મારવા નીકળ્યું હતું. વેસુ રોડ પર ખાટુ શ્યામ મંદિર પાસે પતિ-પત્ની કારમાં નીકળ્યા હતા. અહીં ચાર રસ્તા પર પોલીસે અટકવાનો ઇશારો કરતા પતિએ પત્નીને કારમાંથી નીચે ઉતારી દીધી હતી અને તે કાર લઇને ભાગી ગયો હતો. જે બાદમાં પત્ની પણ પતિને બૂમો મારતા કારની પાછળ દોડવા લાગી હતી પરંતુ પતિ રોકાયો ન હતો. પત્ની 500 મીટર દોડી પછી અટકી ગઇ હતી. જે બાદમાં સ્થળ પર હાજર મહિલા પોલીસ ગાડી લઇને મહિલાને ચાર રસ્તા પર પરત લઇ આવી હતી. જે બાદમાં મહિલાને ફોન કરીને તેના પતિને બોલાવવાનું કહ્યું હતું. પત્નીએ ફોન કર્યાની 15-20 મિનિટ બાદ તેનો પતિ સ્થળ પર હાજર થયો હતો. જે બાદમાં પોલીસે બંનેને સમજાવીને છોડી મૂક્યા હતા.