Mysamachar.in:જામનગર
ઘણાં તત્વોને જોખમી બાઈક સ્ટંટ કરવાની અથવા ધૂમ સ્ટાઈલથી તેજ ગતિએ બાઈક ચલાવવાની આદત હોય છે. આવા શખ્સોએ હવે ચેતી જવું પડશે, પોલીસ હવે આ પ્રકારના બાઈકર વિરુદ્ધ પણ ગુના નોંધે છે. અન્ય લોકોના તથા પોતાના જીવ પર જોખમ સર્જાઈ તેવી રીતે બેદરકારીથી વાહન ચલાવવું ગુનો છે. આ ઉપરાંત બાઈકની રેસ રાખીને તેનાં પર રૂપિયાની હારજિત કરવી એ પણ જૂગારધારા હેઠળ ગુનો બને છે, આ પ્રકારના પાંચ શખ્સોને જૂગાર રમતાં ઝડપી લેવામાં આવ્યા છે. આ કામગીરી સિક્કા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
ખંભાળિયા હાઈવે પર બેડ ગામની નદી પરના પુલ પાસેના ધોરીમાર્ગ પર કેટલાંક શખ્સો બાઈકની રેસ કરે છે અને તેમાં જિતનારને રૂપિયા 500-500 ના ઈનામો આપવામાં આવે છે, એ પ્રકારની બાતમી મળતાં CPI પી.એલ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સિક્કા PSI એ.વી.સરવૈયાની ટીમે આ સ્થળે કામગીરી કરી સિક્કા ગામનાં પાંચ શખ્સોને પાંચ મોટરસાયકલ અને ચાર નંગ મોબાઇલ તથા રોકડ રકમ સાથે ઝડપી લીધાં છે. પોલીસે કુલ રૂપિયા 2,22,500 નો મુદામાલ કબજે લીધો છે.
પોલીસે સિક્કાના પાંચ શખ્સો અબ્દુલકાદર ઈલિયાસ વાઘેર, અસગર હુસેન સંઘાર, શબ્બીર અબ્દુલ સુંભાણીયા, અલબાઝ અકબર વાઘેર અને વસીમ આમીન ભગાડ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સો મજૂરી કરનારાઓ છે અને જીવના જોખમે હાઈવે પર રેસનો જૂગાર રમવાના રવાડે ચડી ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટ રોડ પર પણ આ પ્રકારની રેસ થતી હોવાનું જાણવા મળે છે. જામનગર શહેરના ચોક્કસ વિસ્તારોમાં પણ આ પ્રકારના શખ્સો તેજ ગતિએ બાઈક ચલાવી અન્ય લોકો માટે ભય સર્જતા હોય છે. નગરજનો ઇચ્છે છે આ પ્રકારના તત્વોને કાયદાનું ભાન કરાવવામાં આવે.