Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હિન્દુ ધર્માનુસાર જે લોકો દ્વારા શ્રદ્ધાથી તેમના પિતૃઓને અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવાય છે. વિક્રમ સંવતના ભાદરવા સુદ પુનમથી શ્રાદ્ધપક્ષની શરૂઆત થાય છે. જે ભાદરવા વદ અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધના સોળ દિવસના સમુહને શ્રાદ્ધપક્ષ તેમજ પિતૃતર્પણના દિવસો કહેવાય છે. યાત્રાધામ દ્વારકામાં આવેલ ગોમતી નદીના કિનારે તેમજ દ્વારકાથી 45 કિમી દૂર પિંડતારક ક્ષેત્ર ગણાતા પિંડારા ગામે શ્રાધ્ધનું સવિશેષ મહત્વ રહેલું છે.
શ્રાદ્ધના દિવસોમાં પિંડારામાં તેમજ દ્વારકાના ગોમતી ઘાટ પર પિંડદાનનું સવિશેષ મહત્વ રહેલું છે. દરેક મનુષ્ય ઉપર અમુક પ્રકારના ઋણ હોય છે. જે તેમણે શાસ્ત્રોકત રીતે ચુકવવાનું હોય છે. જે પૈકી એક ઋણ આપણા પિતૃઓ-પૂર્વજોનું છે. પિતૃઋણ ચુકવવા માટે શ્રાદ્ધ, તર્પણ, નિત્યતર્પણ, પીંડદાન વગેરે શાસ્ત્રોએ સૂચવેલ છે.શ્રાદ્ધ શબ્દના મૂળમાં શ્રદ્ધા રહેલી છે. શ્રધ્ધાપૂર્વક પિતૃ નિમિતે કરેલ પૂજા શ્રાદ્ધ ગણાય છે. ભાદ્રપદ માસમાં આવતા શ્રાદ્ધને મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે છે. પોતાના પૂર્વજોની મૃત્યુતિથિ હોય તે ભાદ્રપદ કૃષ્ણપક્ષમાં તેમની શ્રાદ્ધની તિથિ ગણાય છે. પૂર્ણિમાના દિવસે થયેલ મૃત્યુની શ્રાદ્ધ તિથિ અમાવસ્યા ગણાય છે. શ્રાદ્ધ તિથિના દિવસે જે કાંઈપણ પૂણ્યકાર્ય થાય તે મરનાર પિતૃને પ્રાપ્ત થાય છે.તેથી શ્રાદ્ધના દિવસે જલદાન, અન્નદાન, ભૂમિદાન વગેરે શાસ્ત્રોમાં વિહિત કરેલા છે.
જેમની શ્રાદ્ધ તિથિ હોય તે પિતૃને પસંદ ભાવતી વસ્તુ શ્રાદ્ધના દિવસે તૈયાર કરી બ્રાહમણ ભોજન કરાવવું. સ્કંદપુરાણ વગેરે ગ્રંથોમાં શ્રાદ્ધ માટે નિમંત્રણ કઈ રીતે આપવું, શ્રાદ્ધ દરમ્યાન શ્રાદ્ધકર્તાની તથા શ્રાદ્ધ જમનાર બ્રાહમણોની શું શું ફરજો છે તે વિસ્તૃત ચર્ચા ઉપરોકત પુરાણમાં છે. આમ વિધિવિધાનપૂર્વક કરેલા શ્રાદ્ધકર્મથી પિતૃઓ તૃપ્ત થાય અને પિતૃઓના આશિર્વાદ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ ક્રિયાનો એક ભાગ વાસ નાખવી એ વાયસબલી છે. ભાદ્રપદ માસ એ કાગડાનો સંવર્ધન સમય છે તે વખતે કાગળા ખૂબ ભૂખ્યા થાય અને તેના કારણે કાગળાએ અનેક નાના જીવોને ખાવા પડે તેવી સ્થિતિ થાય. તેથી આપણા શાસ્ત્રકારોએ વાયસબલી એટલે કાગડાને વાસ નાખવાનું વિધાન કર્યુ. જેથી તૃપ્ત થયેલ કાગડા અન્ય જીવોની હિંસા ન કરે તેને કારણે જે પુણ્ય થયા તે મૃતક જેમનું શ્રાદ્ધ છે તેને પ્રાપ્ત થાય.
જયાં પાંડવોએ 108 લોખંડના પિંડ તારવ્યા તે પિંડતારક ક્ષેત્ર: પીંડારા
કલ્યાણપુર તાલુકાની સરહદે રાણ પીંડારાના નામથી ઓળખાતું પીંડારા ગામ મહાભારત કાળના પાંડવોના યુગની ઐતિહાસિક ઘટનાઓ સાથે સંકળાયેલું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણની ઈચ્છાથી અને ઋષિમુનિઓની સલાહથી પાંડવોએ અહીં 108 લોખંડના પિંડ તારવ્યા હતા. ત્યારથી આ સ્થળ પિંડતારક કહેવાયું હોવાની માન્યતા છે. એવું પણ મનાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂકિમણીજીએ મહર્ષિ દુર્વાસાના રથને અહીંથી દ્વારકા સુધી ખેંચેલ. અત્યારે પીંડારામાં સમુદ્ર કિનારે મહર્ષિ દુર્વાસાના આશ્રમ મૈત્રક કાલિન 7 મી સદીથી 9 મી સદી સુધીના મંદિરોનો સમૂહ આવેલો છે. આ ઉપરાંત ગામમા તળાવને કાંઠે રાયણનું પ્રાચીન વૃક્ષ આવેલ છે જે સ્થાનીય જાણકારો દુર્વાસા ઋષિની તપસ્થલી તરીકે 520 વર્ષથી પણ પ્રાચીન હોવાનું જણાવે છે.
ભાદરવી અમાસે દરિયા વચ્ચે 3 કિ.મી. દૂર આવેલા ત્ર્યંબકેશ્વર કુંડની મુલાકાત લેતાં શ્રધ્ધાળુઓ
શ્રી કૃષ્ણના સ્વધામગમન બાદ દ્વારકા નગરી સમુદ્રમાં સમાઈ ગઈ. તેની સાથે જ કચ્છના અખાતમાં પિંડારા પણ સમાયું. એવું પણ માનવામાં આવે છે કે પાંડવોએ હાલમાં કુંડથી દરિયાની અંદર આશરે ત્રણ કિમી અંદર આવેલા ત્ર્યંબકેશ્વર કુંડ ખાતે પિતૃ તર્પણ કર્યુ હતું. જયાં વર્ષમાં માત્ર એક વખત દર વર્ષે ભાદરવા માસની અમાસે દરિયામાં ઓટની પરિસ્થિતિ હોય ત્યારે માત્ર જૂજ મીનીટો માટે જ પહોંચી શકાય છે અને જોખમી ગણાતી યાત્રામાં ત્યાં પોહંચી દર્શન કરી તરત પરત ફરવું પડતું હોવા છતાં અનેક લોકો દર વર્ષે શ્રધ્ધા સાથે આ વિસ્તારના જાણકારોને સાથે રાખી આ પૌરાણિક ધરોહર સમા પ્રાચીન કુંડના અવશેષોની શ્રધ્ધાભેર મુલાકાત લેતાં હોય છે.
દ્વારકા ક્ષેત્રમાં પિંડતારક વિધિનું વધતું મહત્ત્વ –
શ્રાદ્ધ કરવા માટે સામાન્ય રીતે શ્રાધ્ધ તિર્થમાં પિંડદાન સહિતની વિધિ કરાતી જયારે દ્વારકાના સ્થાનીકો મોટે ભાગે દ્વારકાના ગોમતી ઘાટે પિંડદાનની વિધિ કરાવતા. જયારે છેલ્લા થોડા વર્ષોમાં સ્થાનીકોની સાથે સાથે બહારગામથી આવતાં ભાવિકો પણ દ્વારકાના પવિત્ર ભૂમિમાં દર્શનની સાથે સાથે શ્રાદ્ધ વિધિ પણ કરાવતાં જોવા મળી રહયા છે. ચૈત્ર, ભાદરવા, કારતકમાં વધુ પ્રમાણમાં પૂર્વજોના ઉધ્ધારની વિધિ કરાવતાં હોય છે.(તસ્વીર અને અહેવાલ કુંજન રાડિયા)