Mysamachar.in-નર્મદાઃ
દિવાળીના દિવસોમાં દુનિયાના સૌથી મોટા સ્ટેચ્યુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટશે તેવી આશા સેવાઇ રહી છે, કારણ કે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થશે. એક વર્ષની ઉજવણીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા અહીં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડાપ્રધાનથી લઇને વિશ્વ બેંકના ચેરમેન કેવડિયાની મુલાકાત લેવાના છે. આ કાર્યક્રમના કારણે અહીં લાખોની સંખ્યામાં ટૂરિસ્ટ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
નર્મદા ખાતે આવેલા ડેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને 31 ઓક્ટોબરે 1 વર્ષ પૂર્ણ થશે. જે અંતર્ગત 23થી 31 ઓક્ટોબર સુધી અહીં વિવિધ ઉજવણી કાર્યક્રમો યોજાશે. રાજ્યના IAS,IRS,IPS,IFS અધિકારીઓની તાલીમનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આથી આ ઓફિસરોને 23થી 31 ઓક્ટોબર સુધી નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગામડાઓમાં નિવાસ કરાવવામાં આવશે. ત્યારબાદ 31 ઓક્ટોબરે વડાપ્રધાનના હસ્તે તમામને તાલીમમાંથી વિદાયમાન આપવામાં આવશે. તો 25 ઓક્ટોબરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કેવડિયા આવશે. કહેવામાં આવી રહ્યું છે કે અંતિમ સપ્તાહમાં વિશ્વ બેંકના ચેરમેન ડેવિડ માલપાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે, ત્યારબાદ 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કેવડિયા ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ હસ્તકના સુરક્ષાદળોની પરેડનું આયોજન કરાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય ગૃહ વિભાગ હસ્તકના સુરક્ષાદળોની ખાસ યુનિટી પરેડનું વડાપ્રધાન નિરિક્ષણ કરશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા આયોજીત શસ્ત્ર પ્રદર્શનનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે જે 1 નવેમ્બરથી 7 નવેમ્બર સુધી જનતા માટે ખુલ્લું મુકાશે. વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે. સાથે 30 જેટલા પ્રવાસીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાન વધારવા માટે કેવડિયા ખાતે છેલ્લા કેટલાક સમયથી સરદાર પટેલ પ્રાણી સંગ્રહાલય પાર્ટ-1, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ સહિતના પ્રોજેક્ટ તૈયાર થઇ રહ્યાં હતા. આ તમામ પ્રોજેક્ટથી કેવડિયા ખાતે વધુ પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો થઇ રહ્યાં છે. આ તમામ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પોલીસના 6000થી વધુ જવાનો સુરક્ષા માટે ખડેપગે રહેશે.