Mysamachar.in-સુરત
આજના સમયમાં સ્માર્ટફોન હાથમાં આવી જતા નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના સૌ કોઈને મોબાઈલમાં અલગ અલગ ગેમો રમવાનું જાણે ઘેલું લાગ્યું છે, પણ આ ઘેલું ક્યારેક પોતાને માટે તો ક્યારેક ઘરના કોઈ સભ્ય માટે મુસીબત સાબિત થઇ શકે છે, સુરતમાં આજના એ દરેક વાલીઓ જેના સંતાનો મોબાઈલ હાથમાં લઈને બેસી જાય છે અને કલાકો સુધી ગેમ્સ રમવામાં તલ્લીન રહે છે. તેના માટે આંખ ઉઘાડતો અને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, મોબાઇલ ફોનમાં ગેમ રમી રહેલા પુત્ર પાસેથી પિતાએ મોબાઈલ લઇ ઠપકો આપતા સગીર પુત્રએ હત્યા કરી નાખી હોવાની ચકચારી ઘટના સામે આવી છે,
સુરત શહેર પોલીસના જણાવ્યાનુસાર કવાસ ગામમાં રહેતા 40 વર્ષીય અર્જુન અરુણ સરકારને ગત મંગળવારે રાત્રે નવી સિવિલ હોસ્પિટલમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હતો. આ યુવાન 6 દિવસ પહેલાં બાથરૂમમાં પડી જતાં ઇજા થયાની હિસ્ટ્રી તેના 17 વર્ષીય સગીર પુત્ર અને પરિવારે જણાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ઇચ્છાપોર પોલીસને જણાવવામાં આવતાં પોલીસ જ્યારે ઇન્કવેસ્ટ ભરવા આવી હતી ત્યારે મામલો શંકાસ્પદ લાગ્યો હતો.
જે બાદ પોસ્ટમોર્ટમ કરાવતાં જ મામલો અકસ્માતનો નહીં, પરંતુ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. 40 વર્ષીય શખસની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ યુવાનની હત્યા તેના જ 17 વર્ષના સગીર પુત્રએ કરી હોવાનું પોલીસની તપાસમાં ખૂલ્યું હતું. મોબાઇલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો, જેને લઇને ઝઘડો થતાં આ સગીરે પિતા ઉપર હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. પોસ્ટમોર્ટમમાં હત્યાનો ઘટસ્ફોટ થતાં પુત્ર સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે આરોપી સગીર હોવાથી તેને ડિટેઇન કર્યો હતો.