Mysamachar.in-સુરત
સુરત શહેરના હજીરા રોડ પર દામકા ગામના મિસ્ત્રી મહોલ્લામાં રહેતા અને કર્મકાંડી બ્રાહ્મણ વંસત જયવદંન જોષીની પત્ની ગીતાબેન જોષીની 3 તારીખે વહેલી સવારે હત્યા કરાયેલી લાશ રૂમમાંથી મળી હતી. પતિ વહેલી સવારે ઉઠીને રૂમમાં પત્નીને ચા મુકવા માટે જગાડવા ગયા ત્યારે હત્યા થઈ હોવાની ખબર પડી હતી. આ ઘટનામાં ઈચ્છાપોર પોલીસે હત્યારા પુત્ર કરણ વંસત જોષી (ઉ.વ.24) ને પકડી પાડી પૂછપરછ કરતા પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પુત્ર કરણને નશીલા પદાર્થોની ટેવ હતી અને આખો દિવસ નશામાં જ રહેતો હતો. ઘરમાંથી નશીલા પદાર્થો બનાવવા માટેના સિગારેટ ટાઇપના કાગળો પણ મળી આવ્યા છે.
વધુમાં જાણવા મળતી કેટલીક વિગતો મુજબ માતા-પિતા સાથે હત્યારો પુત્ર કરણ પૈસા બાબતે ઝઘડો કરતો હતો. પુત્ર માટે છોકરી જોવાનું માતા-પિતાએ નક્કી કર્યું હતું તો પુત્રએ છોકરી જોવા જવાની પણ ના પાડી દઈ જણાવ્યું હતું કે, મારે લગ્ન કરવા જ નથી. વાતચીતમાં પણ વડીલોનું માન રાખતો ન હતો. જેના કારણે માતાએ પુત્રને ઘરમાંથી નીકળી જવાનું કહેતા ઝઘડો કર્યો હતો. આથી પુત્ર કરણે માતા ગીતાબેનને ઊંઘમાં ચપ્પાના ઉપરાછાપરી પાંચ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. માતાની હત્યા નીપજાવનાર પુત્ર ઉપર ભારે ફિટકાર વરસી રહ્યો છે.