Mysamachar.in-સુરતઃ
આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમ્યા હતા, તો આ વખતની નવરાત્રીમાં છેડતીની અનેક ફરિયાદો પોલીસને મળી હતી, જો કે ચાલુ ગરબાએ છેડતી કરનારા રોમીયોને સ્ટેજ પર બોલાવી જાહેરમાં ધોલાઇ કર્યાની પ્રથમ ઘટના સામે આવી છે. સુરતમાં છેડતી કરનાર યુવક અને તેના પિતાને સ્ટેજ પર બોલાવી આયોજકો દ્વારા ધોલાઇ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે. જો કે વીડિયો ક્યારનો છે તે હાલ સામે આવ્યું નથી.
સોશિયલ મીડિયા પર પિતા-પુત્રની ધોલાઇનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે, કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સુરતમાં પાલ રોડ પર આવેલી ગ્રીન સિટી હાઉસિંગ સોસાયટીમાં આયોજીત ગરબાનો છે. અહીં આયોજન કરનારની પુત્રીની છેડતી કરી હોવાનો એક યુવક પર આક્ષેપ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ યુવક અને તેના પિતાને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા હતા. એક વ્યક્તિ યુવકનો હાથ પકડી રાખ્યો છે, જ્યારે સ્ટેજ નીચેથી એક યુવતી મોટા સ્વરે બોલી રહી છે કે ''પાપા, ઇસને મુજે દો બાર પકડા થા, ઔર મેરા હી વીડિયો લે રહા થા'' આટલું કહેતાની સાથે જ યુવક અને તેના પિતા પર થપ્પડ અને ઢીકાપાટુંનો વરસાદ થવાનું શરૂ થાય છે. સ્ટેજ પર ઉભેલા અન્ય શખ્સો યુવક અને તેના પિતાને ઢોર માર મારી રહ્યાં છે.
આયોજકો દારૂના નશામાં હોવાનો આક્ષેપ
એક તરફ સોશિયલ મીડિયા પર પિતા-પુત્રની ગરબામાં ધોલાઇનો વીડિયો વાયરલ બનતા શહેરમાં ચર્ચા જાગી છે, તો બીજી બાજુ સ્થાનિક લોકોનું કહેવું છે કે જે લોકોએ પિતા-પુત્રને ઢોર માર માર્યો છે તેઓ દારૂના નશામાં હતા. જો કે સમગ્ર મામલે હજુ સુધી કોઇ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. આરોપીઓને પકડવાને બદલે પોલીસ પણ હજુ ફરિયાદની રાહ જોઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.