Mysamachar.in-અમદાવાદ:
મહિલા સુરક્ષાની વાતો કરતા ગુજરાતમાં મહિલાઓ ઘરઆંગણે જ સુરક્ષિત ના હોય તેમ લાગી રહ્યું છે, અને યુવકોમાં કેટલી હદ સુધી વિકૃતતા ફેલાઈ ગઈ છે તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમા સામે આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મોર્નિંગ વોક પર નીકળતી ખુબસુરત મહિલાઓની એક યુવક છેડતી કરતો હતો. પણ મહિલાઓએ કોઈ ભાવ ન આપતાં યુવકે મહિલાઓનાં પ્રાઈવેટ પાર્ટ પર ખંજવાળવાળો પાવડર નાખી દીધો હતો. જે બાદ યુવકે હદ વટાવી દેતાં મહિલાઓ આ મામલાને પોલીસ સુધી લઇ ગઈ છે,
ચાંદખેડા વિસ્તારમાં આવેલાં પ્રહલાદપાર્ક સોસાયટીમાં રહેતી મહિલાઓ દરરોજ સવારે ફ્લેટના ગાર્ડનમાં મોર્નિંગ વોક માટે નીકળતી હતી. પાંચેક મહિલાઓ નિત્યક્રમ પ્રમાણે મોર્નિંગ વોક માટે એકઠી થઈ જતી હતી. પણ આ જ મહિલાઓ પર ફ્લેટમાં જ રહેતાં અંકિત જાદવે નજર બગાડી હતી. અને મોર્નિંગ વોક કરતી મહિલાઓ ઉપર તે ગંદી કોમેન્ટ પાસ કરતો હતો. લગભગ બે મહિના સુધી મહિલાઓએ યુવકનો ત્રાસ સહ્યો. પણ સામે કોઈએ તેને અટકાવ્યો નહીં. અને આ જ કારણ બન્યું કે યુવકની હિંમતમાં સતત વધારો થતો રહ્યો. ગત 19મી તારીખે મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ પર યુવકે ખંજવાળનો પાવડર નાખી દીધો હતો. આ મામલે મહિલાઓએ વિરોધ કરતાં અંકિતે ગાળાગાળી કરી અને પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધું હતું, જે બાદ પણ સમજાવટનો પ્રયાસ કરતા અંકિત માન્યો નહીને અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.