Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ, આ વખતે લાંબી અને અસરકારક રીતે ચાલશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે – આ વખતે ગૃહ મંત્રાલય ‘ ઓપરેશન ‘નાં મૂડમાં હોવાનાં સંકેતો મળી રહ્યા છે. પ્રથમ વખત આ મુદ્દા પર રાજકીય ઇચ્છાશક્તિનાં દર્શન થઈ રહ્યા હોવાનું સમજાઈ રહ્યું છે. ગૃહમંત્રાલય સાથે ગાઢ રીતે સંકળાયેલા સૂત્રો કહે છે: વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ આકરૂં સ્વરૂપ ધારણ કરશે. મંત્રાલયને એવી માહિતી મળી છે કે, રાજ્યમાં કેટલાંક પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ વ્યાજખોરીનું વ્યવસ્થિત રેકેટ ચલાવી રહ્યા છે ! સમૃદ્ધિ એકત્ર કરી રહ્યા છે ! આ પ્રકારના તત્વોને જેર કરવામાં આવશે. આ વિભાગમાં સાફસૂફી થશે, એવું જણાય છે.
ગૃહમંત્રાલય રાજ્યમાં કરપ્શન ફ્રી વાતાવરણ જોવા માંગે છે. ઉંચુ વ્યાજ વસૂલતા તત્વો સાથે એક યા બીજી રીતે સંકળાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે, તેઓ વિરૂદ્ધ FIR પણ દાખલ થશે. આ પ્રકારની આકરી કાર્યવાહી માટે જરૂર પડ્યે ગાંધીનગર અને અમદાવાદથી ખાસ પોલીસ ફોર્સને રાજ્યભરમાં ગમે ત્યાં મોકલવામાં આવશે, ત્યાં સુધીની તૈયારી ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે. સમગ્ર રાજ્યમાં વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશને વ્યાપક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. આ વખતે, આ ઝુંબેશને રાજકીય ઈચ્છાશક્તિનો સાથ મળ્યો હોવાની સ્થિતિ જોવા મળી રહી છે, એવું જાણકારોનું કહેવું છે.