Mysamachar.in-જામનગર:
જામનગરના નગરજનોનો દાયકાઓનો અનુભવ એવો રહ્યો છે કે, મહાનગરપાલિકાને પેટ ચોળીને શૂળ ઉભા કરવાની એટલે કે, ઉપાધિઓના ઝાડવા ઉગાડવાની ટેવ છે. આ વખતે મહાનગરપાલિકાએ વધુ એક વખત આ ટેવનો પરિચય આપ્યો- આ વખતે મહાનગરપાલિકાએ સોલાર ઝાડવા ઉગાડીને, પાણાંને કહ્યું ‘આવ મારાં પગ પર પછડા’….
જામનગર મહાનગરપાલિકાએ તળાવની પાળે તથા એમ્યુઝમેન્ટ પાર્કમાં સોલાર વૃક્ષ બેસાડ્યા. તંત્રએ દાવો એવો કર્યો છે કે, આથી વીજળીની બચત થશે અને લોકોમાં સોલાર એનર્જી અંગે જાગૃતિ આવશે. પરંતુ Mysamachar.in દ્વારા, આ પોલિસીનો- આ કોન્સેપ્ટનો અભ્યાસ કરવામાં આવ્યો. રેકર્ડ પરની વિગતો, મહાનગરપાલિકાના લાઈટશાખાના કરાર આધારિત અધિકારી પાસેથી મેળવવામાં આવી.
મહાનગરપાલિકાના લાઈટશાખાના (કરાર આધારિત) અધિકારી, કે જે મીડિયા સમક્ષ પોતાને ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર લેખાવે છે, ઋષભ મહેતાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, તળાવની પાળે તથા એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે જે બે સોલાર ટ્રી લગાવવામાં આવ્યા તેનાથી દર વર્ષે કુલ વીજળીખર્ચમાં આશરે રૂ. 4,80,000 થી માંડી રૂ. 5,00,000 સુધીનો ફાયદો, યુનિટના ભાવ અનુસાર થઈ શકશે.
અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે, ધારો કે આ બે સોલાર ઝાડથી મહાનગરપાલિકાને વર્ષે રૂ. 5 લાખનો ફાયદો વીજખર્ચમાં થાય, તો 30 વર્ષે રૂ. 1.5 કરોડનો ફાયદો થઈ શકે. આ બે સોલાર ઝાડ રૂ. 1.5 કરોડના ખર્ચથી ઉગાડવામાં આવ્યા છે. 30 વર્ષ દરમિયાન અને 30 વર્ષ બાદ, મહાનગરપાલિકાના આ ઝાડવા વીજ ઉત્પાદન કરવા સક્ષમ હશે ?! એ પણ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ટૂંકમાં, સોલાર ઝાડવા ઉગાડવાનો આ બિઝનેસ લાખના બાર હજાર કરવાનો ધંધો છે !
-સરકારની સોલાર પોલિસી લલચામણી બલા ?!
મહાનગરપાલિકાના લાઈટશાખાના કરાર આધારિત અધિકારી કહે છે: સોલાર મારફતે ઉત્પાદિત થતી વીજના પ્રત્યેક યુનિટે વીજતંત્ર અગાઉ જે રકમ બાદ આપતી તેના કરતાં અડધી રકમ જ હવે બાદ આપે છે. તેથી ફાયદો ઘટવા તરફ છે, એમ કહી શકાય. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉના વર્ષો દરમિયાન સોલાર પ્રોજેક્ટમાં વીજતંત્ર યુનિટના 6/7 રૂપિયાનો ફાયદો આપતું. જે ઘટતો ઘટતો હવે રૂ. 2.25 અથવા રૂ. 2.15 થઈ ગયો છે. આ ભાવ વીજતંત્ર નક્કી કરે છે. વીજતંત્રની ટેરિફ પોલિસી મુજબ આ ભાવ નક્કી થતાં હોય છે, એમ અધિકારીએ જણાવ્યું. આ અધિકારીના કથનનો સ્પષ્ટ ગુજરાતી અર્થ એમ થઈ શકે કે, સોલાર પોલિસી એક લલચામણી જાળ છે, જેમાં સરકાર તરફથી મળતો ફાયદો સતત ઘટવા તરફ રહ્યો છે. આ સ્થિતિઓમાં લોકોએ નક્કી કરવાનું રહે….