Mysamachar.in-અમદાવાદ:
સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ખૂબ જ ઉપયોગી છે, લાભદાયી છે અને તેના માધ્યમથી ઘણાં કામો થઈ શકે છે અને તેમાંથી કમાણી પણ થઈ શકે છે- આ પ્રકારની જુદીજુદી ઘણી માન્યતાઓ લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પ્રત્યે ધરાવે છે. સાથેસાથે, લોકોને હવે એ પણ સમજાઈ રહ્યું છે કે, દરેક ટેકનોલોજીના જેમ ફાયદાઓ હોય છે તેમ સાથેના નુકસાન પણ હોય છે. સાયબર ફ્રોડ બાબતે તો સૌ જાણે છે, આ ઉપરાંત સગીરો પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની જે માઠી અસરો દેખાઈ રહી છે, તે પણ ચિંતાનો વિષય ગણાવવામાં આવી રહ્યો છે. આ બાબતે સરકાર પણ આગળ વધી રહી છે અને જરૂરી નિયંત્રક પગલાંઓ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
સગીરો પર સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સની વિપરીત અસરો મોટા પ્રમાણમાં બહાર આવી રહી છે. અને, ઓસ્ટ્રેલિયન સરકારે તો 16 વર્ષથી નાના સગીર છોકરા છોકરીઓ માટે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરવા પર જ પ્રતિબંધ ફરમાવી દીધો. ભારત સરકાર પણ આ દિશામાં આગળ વધવા તૈયારીઓ કરે છે. નિયમોની રચના કરવામાં આવી રહી છે. આ માટે હાલ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ સંબંધે નાગરિકો પાસેથી વાંધાસૂચન મંગાવવામાં આવ્યા છે. લોકો 18 ફેબ્રુઆરી સુધી આ ડ્રાફ્ટમાં સુધારાવધારા માટે વાંધાસૂચન આપી શકશે, ત્યારબાદ આખરી મુસદ્દો તૈયાર થશે અને પછી અમલ માટેની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.
હાલમાં ભારત સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન માટેના નિયમો તૈયાર કરી રહી છે. શુક્રવારે સાંજે જાહેર કરવામાં આવેલાં આ ડ્રાફ્ટમાં જણાવાયા અનુસાર, 18 વર્ષથી નાના સગીરોએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકાઉન્ટ બનાવવા માતાપિતાની પરવાનગી મેળવવાની રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડિજિટલ ડેટા પ્રોટેક્શન બિલ DDPB 2023માં સંસદમાં મંજૂર થઈ ગયું હતું. એ પછી 14 મહિને આ ડ્રાફ્ટ જાહેર થયો. સગીરો માટે આ નિયમ જે ડ્રાફ્ટમાં જાહેર કરવામાં આવ્યો છે, તેનો ભંગ થાય તો શું ? એ માટેની કોઈ દંડાત્મક કાર્યવાહીઓનો આમાં ઉલ્લેખ નથી.
DPDP બિલના ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, ડિજિટલ વ્યક્તિગત ડેટા પ્રોટેક્શન કાયદા, 2023(22મી કલમની) પેટા કલમ-40(1) અને (2) તરફથી અપાયેલી શક્તિઓનો ઉપયોગ કરી કેન્દ્ર સરકાર તરફથી કાયદો લાગુ થવાની તારીખથી અથવા ત્યાર પછી બનાવાનારા સૂચિત નિયમોના મુસદ્દા, તેનાથી પ્રભાવિત થનારી બધી જ વ્યક્તિઓની માહિતી માટે પ્રકાશિત કરવામાં આવે છે.
Electronics and Information technology મંત્રાલયે આ જાહેરનામું બહાર પાડી લોકો પાસેથી વાંધાસૂચન મંગાવ્યા છે. જનતા જે ફીડબેક આપશે, તેના પર સરકાર 18 ફેબ્રુઆરી બાદ વિચારણા હાથ ધરશે. આ મુસદ્દાના નિયમો કાયદા સંરક્ષકતા હેઠળ બાળકો અને દિવ્યાંગના વ્યક્તિગત ડેટાની સુરક્ષા માટે આકરા ઉપાયો પર ભાર મૂકે છે.(symbolic image)