Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં તમાકુ, ગુટખા તથા નિકોટીનયુક્ત પાનમસાલાનાં સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ છે. ઘણાં સમયથી આ પ્રતિબંધનો સમગ્ર રાજ્યમાં છડેચોક ભંગ પણ થઈ રહ્યો છે. તંત્રની કસરત કાગળો પર ડાન્સ કરતી રહે છે. અમલવારીની જવાબદારી ખભે ઉઠાવવામાં જાણે કે કોઈને રસ નથી. એ દરમિયાન, સરકારે આ પ્રતિબંધની સમયમર્યાદા તાજેતરમાં લંબાવી છે. પણ સો મણનો સવાલ એ છે કે, પ્રતિબંધનો હવે અમલ થશે ?! કે પછી….?
રાજ્યનાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રનો આ આદેશ છે. આ પ્રતિબંધની અમલવારીની જવાબદારી આ તંત્ર ઉપરાંત સ્થાનિક પોલીસની પણ હોય છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે, પ્રતિબંધની વાતો કાગળ પરની કસરતો પૂરવાર થઈ રહી છે. શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પણ આવી પ્રતિબંધિત ચીજો વેચાતી રહે છે. કન્યા છાત્રાલય આસપાસ પણ આવી ચીજોનું વેચાણ અને સેવન ઘણી પાનની દુકાનોએ થતું રહેતું હોય છે !
તાજેતરમાં નવમી સપ્ટેમ્બરે આ આદેશની સમયમર્યાદા પૂર્ણ થતી હોય, વિભાગે ફરીથી આવાં વેપારીઓ- ધંધાર્થીઓને વધુ એક વખત રિમાઇન્ડર આપી, વાતને દોહરાવી છે. અત્રે નોંધનીય છે કે, 2006 અને 2011 નાં ચોક્કસ કાયદાઓને ધ્યાનમાં રાખીને આ પ્રતિબંધ વધુ એક વખત ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન કચેરીએ જાહેર કર્યો છે જેમાં કહેવાયું છે કે, આ પ્રકારના કસૂરવારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોનું આરોગ્ય મોટી ચીજ છે.
પરંતુ સમગ્ર ગુજરાત જાણે છે કે, તંત્ર પોતે જાહેર કરેલાં પ્રતિબંધ પ્રત્યે પણ ગંભીર નથી. જામનગરમાં પણ નિકોટીનયુત પાનમસાલા અને તમાકુનું વેચાણ બેફામ ચાલે જ છે. આ સ્થિતિમાં પ્રતિબંધનો અર્થ શું ? શું સરકાર જનઆરોગ્ય પ્રત્યે ગંભીર નથી ?! કે, ધંધાર્થીઓ વધુ વ્હાલા છે ?! એવો પ્રશ્ન જનઆરોગ્યની ચિંતા કરતાં લોકો પૂછી રહ્યા છે.