Mysamachar.in-ગાંધીનગર
સૌ જાણે છે તેમ, વિવિધ સરકારી વિભાગોના તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઘણાં અધિકારીઓ અને કર્મચારીઓની મિલકતો આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ હોય છે એટલે કે તેઓ, અપ્રમાણસરની મિલકતો ધરાવતા હોય છે. સરકાર આવા ધનપતિઓને શોધી કાઢી, ઘટતી કાર્યવાહીઓ કરવા ચાહે છે. જો 31 જાન્યુઆરી સુધીમાં આ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની મિલકતો જાહેર કરશે નહીં તો, તેમના પગાર સરકાર દ્વારા અટકાવવામાં આવશે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ-GADએ કાલે મંગળવારે આ સંબંધે આકરૂં વલણ અખત્યાર કરી, એક પરિપત્ર પણ જાહેર કર્યો. જેમાં જણાવાયા અનુસાર, વર્ગ 1, વર્ગ 2 અને 3 ના નિયમિત અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપરાંત ફીક્સ પગાર મેળવતા વર્ગ 3 ના કર્મચારીઓએ પણ પોતાની સંપૂર્ણ મિલકતો 31 જાન્યુઆરી સુધીમાં સરકારમાં જાહેર કરવાની રહે છે. વર્ષ 2024 દરમિયાન, જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં આ તમામ પગારદારોએ પગાર પેટે કેટલી આવક મેળવી તે પણ, સરકારના કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન મૂકવાની રહેશે. આ માટે સંબંધિત વિભાગના વડાએ નિગરાની રાખવાની રહેશે.(file image)