Mysamachar.in-ગાંધીનગર:
આપણા રાજ્યના લગભગ કોઈ શહેર એવા નથી જ્યાં રસ્તે રઝળતા પશુઓની સમસ્યા ના હોય આ સમસ્યાના કારણે કેટલાય નિર્દોષ રસ્તે ચાલતા અને વાહનચાલકો આવા ઢોરના રોષનો ભોગ બને છે તેમાં ક્યારેક ગંભીર ઈજાઓ તો ક્યારેક મોતને ભેટતા હોવાના રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે, ત્યારે હવે રાજ્ય સરકાર આ મામલે કઈક નક્કર કરવાની દિશામાં આગળ વધી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે, જાણવા મળતી વિગતો મુજબ હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. 31મી માર્ચે વિધાનસભામાં આ બિલ રજૂ કરાશે. બિલની જોગવાઇ મુજબ કાયદો અમલમાં આવ્યા બાદ જાહેરનામાથી શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા પર પ્રતિબંધ જાહેર કરાશે.
શહેરી વિસ્તારોમાં ઢોર રાખવા માટે પશુપાલકે લાઈસન્સ લેવું પડશે. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવી પડશે. આ કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા 5 હજારથી વધુમાં વધુ 20 હજાર સુધીના દંડની જોગવાઇઓ બિલમાં કરવામાં આવી છે. આ સિવાય અન્ય વિવિધ નિયમોના ભંગ બદલ પણ આકરા દંડ અને સજાની જોગવાઇ કરવામાં આવી છે.પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાઈસન્સ મેળવવું પડશે. લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાની રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાઈસન્સ ઇન્સ્પેક્ટર નિયુક્ત કરશે.વધુમાં શહેરી વિસ્તારોમાં ગમે ત્યાં ઘાસનું વેચાણ થઇ શકશે નહીં. સત્તામંડળ દ્વારા નક્કી કરાયેલા શહેરી ગોચર વિસ્તારોમાં જ ઘાસચારાનું વેચાણ થઇ શકશે. બિલની જોગવાઇ મુજબ જો પ્રતિબંધિત વિસ્તારમાં ઘાસનું વેચાણ થાય તો પ્રથમવાર 10 થી 50 હજાર સુધીનો દંડ અને બીજીવારના ગુનામાં એક મહિનાની કેદ અથવા 50 હજારથી 1 લાખ સુધીનો દંડ થશે.
શહેરી વિસ્તારોમાં ઢોર રાખવાના લાઈસન્સ આપ્યા બાદ તે ઢોરને ટેગ લગાવવી પડશે. આવી ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ લેવાની સાથે માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલીને ઢોર માલિકને પરત અપાશે.ઢોર પકડવા ગયેલી પાર્ટી પર હૂમલો કરવાનો પ્રયાસ, ઢોરને ભગાડી જવા અથવા તેનો પ્રયાસ કરવાના કિસ્સામાં એક વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની સજાની જોગવાઇ કરાઇ છે. બીજીવખત આવા ગુનામાં પકડાનારને બે વર્ષ સુધીની કેદ અથવા 1થી 5 લાખ સુધીનો દંડ થશે.