Mysamachar.in-અમદાવાદ:
પીળી ધાતુ સોનું કાયમ માટે માણસને લલચાવતું રહે છે. આ ઉપરાંત જુદાં જુદાં લોકેશન પર સોનાનો ભાવ પણ અલગ-અલગ હોય છે અને બે નંબરના ખરીદવેચાણ માટે પણ સોનાની હેરાફેરી ફરજિયાત બની જતી હોય છે, તેની સામે જે દાણચોરી ઝડપાઈ ગયેલી જાહેર થઈ રહી છે, તે આંકડા જાણકારોના મતે સાવ નાના છે.
આમ જૂઓ તો ગુજરાત માટે સોનું પણ એક જાતનો શરાબ જ છે. શરાબમાં જેમ પીવાય વધુ અને ઝડપાઈ જાય ઓછો એમ સોનામાં પણ ગામેગામ બેનંબરના સોનાની હેરફેર મોટાપાયે થતી હોય છે, તેની સરખામણીએ માત્ર અમદાવાદ અને સુરત એરપોર્ટના જ સોનાની દાણચોરીના આંકડા જાહેર થતાં હોય, આખા રાજ્યમાં બેનંબરી સોનાનો વેપાર કેટલો મોટો હશે, તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે, એમ આ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્ર જણાવે છે.
ગુજરાતમાં મોટાભાગના મધ્યમવર્ગીય પરિવારો અને ગરીબ પરિવારો સામાજિક પ્રસંગો માટે સોનાની ખરીદી કરે છે, તે ખરીદીના બિલો ટેક્સ વિનાના હોય છે, ચોપડે કયાંય ચડતા નથી. આ ઉપરાંત શ્રીમંત વર્ગ નાનીમોટી સોનાની ગીની, બિસ્કિટ વગેરે નોંધપાત્ર પ્રમાણમાં બિનહિસાબી રીતે ખરીદતાં હોય છે. જેને કારણે સોનાની બેનંબરી ખરીદી, વેચાણ અને હેરફેર ખૂબ મોટાં પ્રમાણમાં થતી હોય છે. જે સૌ સમજી શકે એવી બાબત છે.
આમ છતાં, આખા ગુજરાતમાંથી, વર્ષના 365 દિવસ દરમિયાન માત્ર 66 કરોડ રૂપરડીનું સોનું દાણચોરી તરીકે ઝડપાયેલું જાહેર થાય તે આંકડો કોઈના પણ ગળે ન ઉતરે. એરપોર્ટ ઉપરાંત સોનાની દાણચોરી જમીન અને દરિયાઈ માર્ગે થતી જ હોય, એમ જાણકારો માને છે, આમ છતાં એકમાત્ર એરપોર્ટ પરની જ સોનાની દાણચોરીના આંકડા વર્ષ આખરે જાહેર થાય તે બાબત સૌને અચરજ પમાડે, તે સ્વાભાવિક છે.
શરાબ અને ડ્રગ્સની હેરાફેરી વર્ષ દરમિયાન કરોડો અને અબજોના આંકડે પહોંચે અને સોનાની દાણચોરીના આંકડા આટલાં સમૃધ્ધ રાજ્યમાં આટલાં નાના જાહેર થાય, એ વાત માનવા કોણ તૈયાર થાય ?! ખરેખર તો કાળા નાણાંના સર્જન અને સંગ્રહને નાથવા, દરોડા એજન્સીઓએ સોના પરની વોચ કડક બનાવવી જોઈએ, એમ જાણકારો માની રહ્યા છે. (symbolic image)