Mysamachar.in-અમદાવાદ
આપણે ત્યાં અવારનવાર વિવિધ ચીજવસ્તુઓ રોકડ દાગીના સહિતની ચોરીની ઘટનાઓ સામે અઆવતી રહે છે, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે દૂધ અને છાશના કેરેટની ચોરી થઈ..જી હા આ એકદમ સાચી ઘટના છે અને રાજ્યના મેટ્રોસીટી અમદાવાદમાં સામે આવી છે, રાણીપ વિસ્તારમાં એક દૂધ પાર્લરમાં વહેલી સવારે 4 વાગ્યે રિક્ષામાં ત્રણ તસ્કરો આવીને 56 જ સેકન્ડમાં દૂધ અને છાશના 11 કેરેટ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી.
રાણીપમાં આવેલા કલ્યાણ કુંજ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશભાઈ તિવારી રાધાસ્વામી રોડ પર ગણેશ ડેરી ફાર્મ નામની દુકાન ધરાવે છે. તેઓની દુકાનમાં વહેલી સવારે અમૂલ કંપનીની ટ્રક આવીને દૂધ અને છાશના કેરેટ મૂકીને જતી રહે છે. તેમના ત્યાં એક માણસ પણ રાખવામાં આવ્યો છે, જે માણસ સવારે લોકોને દૂધ અને છાશ વેચે છે. ગઈકાલે સવારે ત્રણ લોકો રિક્ષામાં આવ્યા હતા. આ ત્રણ લોકોએ 4:20 વાગે આવી અને દૂધ અને છાશના કેરેટ રિક્ષામાં ભરી 4:21 વાગે ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રાણીપ પોલીસે તસ્કર ટોળકીને પકડવા તજવીજ હાથ ધરી છે.