Mysamachar.in-સુરત:
રાજ્યમાં એટીએમ સેન્ટરો કેટલા સુરક્ષિત છે તે સવાલ છાશવારે ઉભો થતો રહે છે, એવામાં વધુ એક એટીએમ સેન્ટર તસ્કરોનું નિશાન બન્યું હોવાનું સામે આવ્યું છે, સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા કરજણ ગામે તસ્કરોએ જાણે દિવાળી ઊજવી હોય તેમ તસ્કરોએ કો-ઓપરેટિવ બેંકના એટીએમ મશીનને તોડી અને સેફમાં મૂકેલા રૂપિયાની ચોરી કરી લીધી હતી. એટીએમના સીસીટીવીમાં 3 તસ્કરો કેદ થયા હતા.સુરતના કામરેજના કરજણ ગામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકને નિશાન બનાવી હતી. તસ્કરોએ કરજણમાં આવેલા બેંકના એટીએમ મશીનમાં ઘુસ્યા હતા અને અને ધાડ પાડી હતી.
તસ્કરોએ એટીએમ મશીન તોડી અને 12.56 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે એટીએમ સેન્ટરમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં તસ્કરોનું વર્ણન કેદ થયા છે, પોલીસ તપાસમાં આ કોઈ ગેંગનું ષડયંત્ર હોવાનું બહાર આવી શકે છે. કારણ કે એક મહિનાની અંદર જ કરજણમાં આ બીજી ચોરી થઈ છે.તસ્કરોની મોડ્સ ઓપરેન્ડી જાણવા માટે તેમજ મશીન તોડવાની વધુ તપાસ આદરવા માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે. FSLની મદદ દ્વારા ટેકનિકલ અને ફોરેન્સિક ઇનપૂટના આધારે તપાસ આદરવામાં આવી છે.