Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતનાં શિક્ષણમાં એક નવો ટ્રેન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર ખાનગી ધંધાર્થીઓ સાથે ગોઠવણ કરી, રાજ્યમાં 400 જ્ઞાનસેતુ શાળાઓ શરૂ કરશે. આ શાળાઓને સરકાર વિદ્યાર્થીદીઠ નાણાસહાય ચૂકવશે. જેમ હાલ RTE અંતર્ગત સરકાર છાત્રદીઠ નાણાં ચૂકવી રહી છે. રાજય સરકારનાં શિક્ષણ વિભાગે એક્સપ્રેસન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યું છે. સરકાર ઇચ્છે છે કે, રાજ્યમાં 400 જ્ઞાનસેતુ શાળાઓ શરૂ થાય. આ શાળાઓ PPP મોડેલ અંતર્ગત બને. જેમાં સરકાર છાત્રદીઠ રૂ.20,000ની રકમ ખાનગીશાળાઓને ચૂકવે. સંચાલન ખાનગી પાર્ટી કરે. સરકાર ઇચ્છે છે કે, દરેક તાલુકામાં તથા દરેક મહાનગરમાં આ પ્રકારની ઓછામાં ઓછી એક શાળા બને.
આ શાળાઓ ડે-સ્કૂલ તરીકે કાર્યરત રહેશે. દરેક શાળામાં ઓછામાં ઓછાં 500 છાત્રોને ભણાવવામાં આવે. અને, આ શાળાઓ ધોરણ 6 થી 12 નું શિક્ષણ આપે. શિક્ષણ વિભાગ કહે છે : ખાનગી શાળાઓનાં જે સંચાલકો આ પ્રોજેક્ટમાં જોડાવા ઇચ્છતા હોય તેઓએ શાળા માટેની જમીન, બિલ્ડીંગ, સ્ટાફ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા નાણાંકીય સક્ષમતા જાહેર કરવાનાં રહેશે.સરકાર આ શાળાઓને દર વર્ષે, પ્રત્યેક છાત્રદીઠ રૂ.20,000 આપશે. અને દર વર્ષે સરકાર આ રકમમાં સાત ટકાનો વધારો કરી આપશે. આગામી શૈક્ષણિક વર્ષ 2023/24 માટે આ શાળાઓએ ધોરણ 6 માં જૂન-2023થી પ્રવેશકાર્ય શરૂ કરવાનું રહેશે.
હાલમાં જે વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ શાળાઓમાં ભણી રહ્યા છે તે શાળાઓનાં તેજસ્વી છાત્રો તથા છાત્રાઓને સરકાર પસંદ કરી, આ જ્ઞાનસેતુ શાળાઓમાં ભણવા માટે મોકલશે. અને, ઉપરોક્ત નિયમો અનુસાર તે વિદ્યાર્થીદીઠ શાળા સંચાલકોને સરકાર નાણાં આપશે. આમ થવાથી આ તેજસ્વી બાળકો સારૂં શિક્ષણ ઉંચી ફી ચૂકવ્યા વિના મેળવી શકશે.સરકાર ઇચ્છે છે કે પ્રથમ વર્ષથી આ રીતે કુલ 2 લાખ તેજસ્વી બાળકોને આ યોજનાનો લાભ મળે. આ શાળાઓ વિદ્યાર્થીઓને JEE, NEET તથા NDA કોચિંગ પણ આપશે. આ શાળાઓ મલ્ટીમીડિયમ (ગુજરાતી, અંગ્રેજી વગેરે) હશે. આ શાળાઓમાં શિક્ષણની લેટેસ્ટ પધ્ધતિઓ અને ટેકનોલોજીનો ઉપયોગ થશે. શિક્ષણ વિભાગ કહે છે: શહેરોમાં 50 જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળાઓ બનશે. 25 બિરસા મુંડા રેસિડેન્સિયલ શાળાઓ બનશે. આ માટેની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. આ શાળાઓ સામાજિક અને આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે રહેશે.