Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજમીટરનો મામલો લાંબા સમયથી ગરમાગરમ ચર્ચાઓ તરીકે ચાલી રહ્યો છે. આ મામલે વિધાનસભામાં પણ ચર્ચાઓ થઈ છે. છેલ્લા અહેવાલ અનુસાર, આ વીજમીટર સામે કોઈ પણ પ્રકારનો સળવળાટ કે ઉહાપોહ ચાલશે નહીં કેમ કે પ્રિ-પેઈડ સ્માર્ટ વીજમીટર ફરજિયાત રીતે લગાડવામાં આવશે જ.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં પણ તંત્ર દ્વારા સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ થઈ રહી છે. અને આ દરમિયાન કેટલાંક વીજગ્રાહકો આ વીજમીટરનો વિરોધ પણ કરી રહ્યા છે. જો કે એ પણ હકીકત છે કે, ખુદ ધારાસભ્ય કાર્યાલયમાં પણ સ્માર્ટ વીજમીટર લગાવવામાં આવ્યું છે અને એ રીતે આ મુહિમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ત્યારે, જો VIP જગ્યાઓ પર આ વીજમીટર ફીટ થતાં હોય તો પછી સામાન્ય વીજ ગ્રાહકે આ વીજમીટરનો વિરોધ શા માટે કરવો જોઈએ, એવો પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે.

દરમિયાન જાણવા મળે છે કે, સ્માર્ટ વીજમીટર લગાવવાની પ્રક્રિયાઓ આગળ ધપાવવામાં આવશે. આ માટેની તમામ વિગતોની નોંધ સરકારની એપ્લિકેશનમાં થશે. દરેક જગ્યાઓ પર હૈયાત વીજમીટરને દૂર કરી સ્માર્ટ વીજમીટર લગાવાશે અને તેને સિલિંગ પણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉદ્યોગો અને ખેતી વીજજોડાણોને આ પ્રક્રિયાઓમાં બાદ રાખવામાં આવ્યા હોય, રહેણાંક વીજજોડાણ ધરાવતા લોકોને સરકારનો આ નિર્ણય ખૂંચી રહ્યો છે.
વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા સ્માર્ટ વીજમીટરના ફાયદાઓ અંગે પણ વિગતો આપવામાં આવી હતી. અને ભારત સરકારના વન નેશન, વન ગ્રીડ અભિયાન અંતર્ગત આ કામગીરીઓ કરવામાં આવી રહી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજમીટર લગાવવાનું અભિયાન હજુ પ્રાથમિક તબક્કામાં છે, ક્યાંય પણ આ માટે તંત્ર દ્વારા હાલ આક્રમક વલણ અખત્યાર કરવામાં આવ્યું નથી. આગામી સમયમાં બની શકે કે, તંત્ર કડક અને ફરજિયાત રીતે આ કામગીરીઓ હાથ ધરે. જો આમ થશે તો, લોકોમાં ઉહાપોહની પણ શકયતાઓ ખરી.
