Mysamachar.in-જામનગર:
જામનગર અને રાજકોટ વીજતંત્રને સરકારે સવા વર્ષ અગાઉ પાનો ચડાવ્યો હતો અને આ બંને શહેરોમાં લાખોની સંખ્યામાં સ્માર્ટ વીજમીટર લગાવવામાં આવશે એવી જાહેરાત વીજતંત્રની રાજકોટ કોર્પોરેટ કચેરીએ કરી હતી. પરંતુ પાછલાં સવા દોઢ વર્ષ દરમિયાન હાલારની એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લાઓની સ્થિતિઓ ચકાસીએ તો, આ બંને જિલ્લાઓમાં સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓમાં તંત્રને ખાસ સફળતા મળી નથી. લાખો વીજમીટર લગાવવાના લક્ષ્યાંક સામે હજુ અમુક જ હજાર વીજમીટર બદલાવી શકાયા છે.

વીજતંત્રએ એવી જાહેરાત કરી હતી કે, આ યોજના અંતર્ગત માર્ચ-2025 સુધીમાં હાલારમાં કુલ 6,31,000 જેટલાં સ્માર્ટ વીજમીટર લગાડવામાં આવશે. આ જાહેરાત પછી 15 મહિનાના સમયગાળા દરમ્યાન બે જિલ્લાઓમાં કુલ માત્ર 18,700 જેટલાં જ સ્માર્ટ વીજમીટર લગાવી શકાયા છે. નવા મકાનો અને જેમના જૂના વીજમીટર નકામા થઈ ગયા છે, તે બદલવાની કામગીરીઓમાં તંત્ર નવા સ્માર્ટ વીજમીટર લગાવે છે, આમ છતાં આ કામગીરીઓમાં તંત્ર નોંધપાત્ર દેખાવ કરી શક્યું નથી અને હાલ વીજતંત્ર જાણે કે, આ વિષય જ ભૂલી ગયું હોય તેવી સ્થિતિઓ જોવા મળી રહી છે.

હાલારમાં સ્માર્ટ વીજમીટર લગાવવાનો આ આખો પ્રોજેક્ટ કુલ રૂ. 488 કરોડનો છે. એક સ્માર્ટ વીજમીટર લગાવવા પાછળ તંત્રને રૂ. 7,000થી માંડીને રૂ. 22,000 સુધીનો ખર્ચ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની આ યોજના અંતર્ગત કૃષિ વીજજોડાણ સિવાયના તમામ વીજજોડાણમાં સ્માર્ટ વીજમીટર લગાવવાના છે. પરંતુ જામનગર અને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં આ યોજનાને સફળતા મળી રહી નથી. તંત્ર અને આગેવાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ વીજગ્રાહકો જુદાજુદા કારણોસર સ્માર્ટ વીજમીટરને આવકારવા તૈયાર નથી. તંત્ર કેટલીક સરકારી કચેરીઓ અને કેટલાંક આગેવાનોને ત્યાં સ્માર્ટ વીજમીટર લગાવી ખુદ ખુશ થઈ રહ્યું છે પરંતુ લોકોમાં આ સ્માર્ટ વીજમીટરને પ્રતિસાદ મળી રહ્યો નથી. સરકાર સ્માર્ટ વીજમીટરના ચલણને વ્યાપક બનાવવા તેને સોલાર પેનલ સિસ્ટમ સાથે ફરજિયાત જોડી રહી છે પરંતુ આમ છતાં આ યોજના સફળ થઈ રહી નથી.(symbolic image)
