Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્માર્ટ વીજમીટરનો મામલો મહિનાઓથી રગડધગડ ચાલી રહ્યો છે, તંત્રની દાદાગીરી અને રેઢિયાળપણાં ઉપરાંત વીજગ્રાહકોમાં વિરોધ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર હોબાળો વગેરે અંગે અવારનવાર અહેવાલો પ્રગટ થતાં રહે છે. એ દરમ્યાન જામનગરની એક વીજકચેરીના પત્રમાં લખાયેલી સ્પષ્ટતા ધ્યાન ખેંચનારી સાબિત થઈ છે.
જામનગર વીજતંત્રની ખંભાળિયા ગેઈટ સબડિવિઝન કચેરીએ જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના એક પત્રનો સત્તાવાર જવાબ આ સંસ્થાને પાઠવ્યો છે. આ પત્રના અંતભાગમાં આ પેટાકચેરીના નાયબ ઈજનેરની સહી સાથે લખાયેલું છે કે, આ કચેરી દ્વારા સ્માર્ટ વીજમીટર લગાવવા અંગે કોઈ જ દબાણ કરવામાં આવતું નથી.વીજતંત્રના આ લખાણનો અર્થ એવો થઈ શકે કે, વીજતંત્ર દ્વારા સ્માર્ટ વીજમીટર ફરજિયાત લગાવવા અંગે કોઈ આગ્રહ નથી, સ્માર્ટ વીજમીટર લગાવવું કે કેમ એ બાબત સ્વૈચ્છિક હોવાનું આ લખાણ પરથી સમજાઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ નામની આ સંસ્થાના મંત્રી કિશોર મજીઠીયાએ થોડા સમય અગાઉ એક ગ્રાહકની સ્માર્ટ વીજમીટર અંગેની ફરિયાદ વિગતો સાથે આ વીજકચેરીને મોકલી હતી. જેના જવાબમાં વીજકચેરીએ સંસ્થાને પાઠવેલા પત્રમાં સ્માર્ટ વીજમીટર અંગે ઉપરોકત સ્પષ્ટતા લખવામાં આવી છે.
આ જવાબમાં વીજકચેરીએ એમ પણ એકરાર કર્યો છે કે, સ્માર્ટ વીજમીટર માટેની મોબાઈલ એપ હાલ સતત અપડેટ થઈ રહી હોય, અમુક ગ્રાહકોના બિલમાં એક્સપોર્ટ રિડિંગ, રિયલ ટાઈમ રિડિંગ પણ દેખાડવામાં આવતાં નથી. એજન્સી દ્વારા સુધારાના પ્રયાસ ચાલુ છે.
આ પત્રમાં વીજકચેરીએ એમ પણ લખ્યું છે કે, મોબાઈલ એપ પર નામ બદલી થયા બાદ પણ અમુક બિલમાં જૂના ગ્રાહકના નામો આવી રહ્યા છે. જેના નિરાકરણ માટે તંત્ર એજન્સીનો સંપર્ક કરશે. સ્માર્ટ વીજમીટરની તમામ કામગીરીઓ કોર્પોરેટ લેવલે એજન્સીને સોંપવામાં આવી હોય, તે અંગેની ફરિયાદોનું નિવારણ પણ એજન્સી દ્વારા જ કરવામાં આવે છે. ફરિયાદનું નિવારણ તથા એપ અપડેશન વીજતંત્ર તથા એજન્સી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે, ક્યાં સુધીમાં ફરિયાદ નિવારણ થશે એ અંગે ચોક્કસ સમય મર્યાદા આપી શકાય તેમ નથી, એમ પત્રના અંતમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, આ લખાણથી વીજતંત્ર એમ કહે છે કે, સ્માર્ટ વીજમીટર કામગીરીઓ અંગે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય, વીજતંત્ર સ્માર્ટ વીજમીટર અંગેની ફરિયાદો સંબંધે કોઈ સ્પષ્ટ કે આખરી જવાબ આપી શકે નહીં. મતલબ, સ્માર્ટ વીજમીટર લાગી ગયા બાદ ગ્રાહક ખાનગી કોન્ટ્રાક્ટરને હવાલે થઈ જાય છે ! (symbolic image)