Mysamachar.in:અમદાવાદ
દેશભરમાં GSTનો દાયરો વધવા તરફ ગતિ કરી રહ્યો છે. ઈ-ઈન્વોઈસ માટેની ટર્નઓવર મર્યાદામાં ફેરફાર આવી રહ્યા છે, એમ GST વિભાગનાં અધિકારીઓ કહી રહ્યા છે. આગામી દિવસોમાં રૂ.1.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે ઈ-ચલણ ફરજિયાત બની શકે છે. 1 ઓગસ્ટ, 2023થી રૂ.5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ અને ઉદ્યોગકારો માટે ઈ-ચલણ ફરજિયાત બની રહ્યું છે. અને, GST વિભાગનાં અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે, 1 જાન્યુઆરી, 2024 થી રૂ.1.5 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે ઈ-ઇન્વોઈસ બનાવવું ફરજિયાત થઇ શકે છે. સરકાર GST દાયરાને વધુ વ્યાપક બનાવી સરકારની આવક વધે એવું ઇચ્છે છે.
આ હિલચાલ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, 1 ઓગસ્ટથી જે ફેરફાર આવી રહ્યો છે તે ફેરફારને સ્કેલ તરીકે રાખી ભવિષ્યમાં આ નવો ફેરફાર અમલમાં મૂકાઈ શકે છે. હાલમાં રૂ.10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા એકમોને વ્યવસાયિક વ્યવહારો માટે ઈ-ચલણ જનરેટ કરવા ફરજીયાત છે. ભવિષ્યમાં દરેક બિઝનેસમેન માટે આ સિસ્ટમ ફરજિયાત બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે. હાલમાં, દેશમાં સરકારી ડેટા અનુસાર – 31/05/2023ની સ્થિતિએ નોંધાયેલા GST કરદાતાઓની સંખ્યા 1.39 કરોડ છે. સરકાર આ આંકડો મોટો બનાવી કરચોરી રોકવા ઈચ્છે છે. અત્યાર સુધીમાં 112 કરોડ રિટર્ન ફાઇલ થયા છે. અને, 370 કરોડ ઈ-વે બિલ જનરેટ થયા છે. સરકાર આ વ્યાપ વધારવા આગળ વધી રહી હોવાનું જાણવા મળે છે.