Mysamachar.in-દાહોદઃ
રાજ્યમાં દીકરીઓની સુરક્ષાને લઇને કેવી સ્થિતિ છે તેનું ઉદાહરણ આપતી વધુ એક ઘટના બની છે. આ વખતે છ વર્ષની માસુમ સાથે હવસ ભુખ્યા મામાએ દુષ્કર્મ આચર્યા બાદ કરપીણ હત્યા કરી નાખી. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ ગામે શુક્રવારની મોડી રાતે છ વર્ષની બાળકીનું તેના મામાએ બાઇક પર અપહરણ કરી એક-બે કિમી દૂર લઇ ગયો હતો, અહીં જંગલ વિસ્તારમાં માસુમ સાથે દુષ્કર્મ કરી પકડાઇ જવાના ડરથી નરાધમે માસુમની હત્યા કરી મૃતદેહને જાડીમાં ફેકી દીધો. માસુમના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે હાથ ધરવામાં આવેલી તપાસમાં પોલીસને મહત્વના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા, જેમાં દેખાયું કે નરાધમ મામા બાળકીને લઇ જતો દેખાયો, બાદમાં પોલીસે આરોપી મામાની ધરપકડ કરી કલમ 363 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ દ્વારા આગવીઢબે કરવામાં આવેલી પુછપરછમાં નરાધમ ભાંગી પડ્યો અને સમગ્ર ઘટના પોલીસસમક્ષ વર્ણવી હતી, જે જાણી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપીએ જણાવ્યું કે માસુમને ફરવા લઇ જવાનું બહાનું કરી જંગલ જેવા દુર્ગમ વિસ્તારમાં લઇ ગયો હતો, જ્યાં દુષ્કર્મ આચર્યું એટલું જ નહીં પકડાઇ જવાના ભયને કારણે હત્યા પણ કરી. બાદમાં વહેલી સવારે DySPની હાજરીમાં આરોપીને ઘટનાસ્થળે લઇ જવાયો જ્યાં ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરી વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. બીજી બાજુ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી થોડા સમય પહેલા જ હત્યાના ગુનામાં જામીન પર છૂટ્યો હતો.