Mysamachar.in-દાહોદ:
ફરી એકવાર ગુજરાતમાં સામુહિક હત્યાકાંડથી અરેરાટી વ્યાપી છે. દાહોદના સંજેલીમાં એક જ પરિવારના 6 લોકોની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે. હત્યામાં ચાર માસુમ બાળકો અને એક દંપતીનો સમાવેશ થાય છે. જ્યારે હત્યારાઓએ ઠંડા કલેજે માસુમ બાળકોને રહેંસી નાખતા ચારે તરફ ફિટકારની લાગણી ફેલાઇ છે. ઘટનાની જાણ થતા મોટા પ્રમાણમાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો નોંધવાનું શરૂ કર્યું હતું. જેમાં જાણવા મળ્યું કે દાહોદના સંજેલીના તરકડાના મહુડી વિસ્તારમાં આદિવાસી પરિવારના 6 લોકોની ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. તો કહેવામાં આવી રહ્યું છે કે હત્યા કરનારાઓ એકથી વધુ હોવાની શંકા છે. એક જ પરિવારના 6 લોકોની હત્યા કેમ કરવામાં આવી અને કોણ હત્યારા છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પ્રાથમિક તપાસમાં એક જ પરિવારના છ લોકોની હત્યાથી સમગ્ર પંથક સહીત રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ છે.