Mysamachar.in:અમદાવાદ
રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને સ્ટેટ હાઇવેઝ અર્થતંત્રને વેગ આપતાં મહત્વનાં પરિબળો છે પરંતુ અફસોસની વાત એ છે કે, ગુજરાતનાં સૌથી વધુ મહત્વનાં એવાં રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઈવેનાં કામમાં કોઈ જ ઠેકાણાં ન હોવાની ચોંકાવનારી વિગતો RTIની એક અરજીના આધારે છતી થઇ ગઈ છે ! રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઈવેની જાહેરાત કરવામાં આવી ત્યારે અને કામ શરૂ થયું ત્યારે તથા ખાસ કરીને ચૂંટણીઓનાં વર્ષોમાં આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંગે ઘણી સુંદર અને મીઠડી વાતો હવામાં ફંગોળવામા આવી હતી. પરંતુ હકીકત એ છે કે, આ પ્રોજેક્ટ ખૂબ જ કઢંગી રીતે ઢસડાઈ રહ્યો છે ! જેતે સમયે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, આ સિકસલેન હાઈવે 2020માં તૈયાર કરી લેવામાં આવશે. પરંતુ હકીકત એ છે કે, આજે 2023 શરૂ થઈ ગયું હોવા છતાં આજની તારીખે આ કામમાં કોઈ ઠેકાણાં જોવા મળતાં નથી ! જેને પરિણામે રોજેરોજ હજારો વાહનચાલકો અને પ્રવાસીઓને અનેક પ્રકારની તકલીફો સહન કરવી પડી રહી છે.
રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઈવે પર ઠેકઠેકાણે ટ્રાફિક ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે ! અને, ઘણાં બધાં રોડ બ્લોકેજને કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યા છે ! હજારો લોકો પરેશાન થાય છે. નવાઈની વાત એ પણ છે કે, છેક 2018ની સાલથી લોકો આ હાડમારીઓ સહન કરી રહ્યા છે ! અને આમ છતાં હાઈવે ઓથોરિટી ફાંકા ફોજદારીમાંથી બહાર આવતી નથી ! અંદરખાને ઘણાં પ્રકારના કુંડાળા ચાલી રહ્યા હોવાનું આરટીઆઇની એક અરજીના કારણે ખૂલ્લું પડી ગયું છે ! ત્યાં સુધી જાણવા મળે છે કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામનાં કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી છે પરંતુ કોન્ટ્રાકટર પાર્ટી આ નોટિસને ભાજીમૂળો લેખી રહી છે ! નોટિસનો જવાબ પણ નથી આપ્યો !
આરટીઆઇની આ અરજીના આધારે જાણવા મળે છે કે, આ સિકસલેન હાઈવેનાં કામમાં ચાર સેક્શન એવાં છે જેમાં બે કોન્ટ્રાકટર પાર્ટી છે. તે બંને કોન્ટ્રાકટર પાર્ટીએ હાથ ઉંચા કરી દીધા છે. તેઓને કામ કરવામાં રસ નથી ! પાંચ પાંચ વર્ષ પછી પણ હજુ પચાસ ટકા કામ પૂર્ણ થયું નથી ! સરકારી ઓથોરિટી પાંચ વર્ષ દરમિયાન આ કામમાં લઘરવઘર પૂરવાર થઈ છે ! આ કામ પૈકી સાયલા-બામણબોર સેકશનનુ કામ સદભાવ એન્જિનિયરીંગને સોંપવામાં આવ્યું હતું. આ પાર્ટીએ લોચા માર્યા છે. જૂલાઈ 2022માં આ મુદ્દે ડખ્ખો થયાં પછી, ભારે વિલંબ બાદ હવે સરકાર પેટા કોન્ટ્રાકટર પાર્ટીને ડાયરેક્ટ પેમેન્ટ આપે છે. મુખ્ય કોન્ટ્રાકટર ચિત્રમાંથી આઉટ છે ! સરકાર કોની વિરૂદ્ધ, શું પગલાં લ્યે ?! એવી કઢંગી હાલત છે, આ સમગ્ર પ્રોજેક્ટની.
એવું પણ જાહેર થયું છે કે, ગત્ નવેમ્બર મહિનામાં એક સરકારી ઈજનેરે સત્તાવાળાઓને એવો રિપોર્ટ આપ્યો હતો કે, કામનાં સ્થળેથી તંત્રની મંજૂરી લીધાં વિના કોન્ટ્રાકટર પાર્ટીએ મશીનરી, મેનપાવર તથા મટીરીયલ ( સિમેન્ટ, લોખંડ વગેરે) વગેરે બધું જ અન્ય સ્થળે સ્થળાંતરિત કરી લીધું હતું ! એવું પણ જાણવા મળ્યું છે કે, કોઈ નાણાંકીય સંસ્થાએ આ કામ કોન્ટ્રાકટર પાસેથી મેળવી લીધું છે અને એ અંગે સરકારની ઓથોરિટીને કોઈ જાણ પણ નથી ! ટૂંકમાં, કોણ કયા સેકશનમાં શું કામ કરે છે તે અંગે સરકાર ખુદ અજાણ છે ! આરટીઆઇ અરજદાર કહે છે: અમુક કોન્ટ્રાકટર પાર્ટીને સેકશનના કામો પૂર્ણ કરવા તંત્રોએ 730 દિવસનો સમય આપ્યો હતો. પછી પણ કામો પૂર્ણ થયાં નથી. અધિકારીઓ આ કામ પ્રત્યે બેદરકાર છે અને આ કામમાં ભારે વિલંબ, ગોટાળા અને સમસ્યાઓને કારણે આ કામમાં રાષ્ટ્રને નુકસાન થઈ રહ્યું છે પરંતુ તેની કોઈને ચિંતા પણ નથી !