Mysamachar.in-ગાંધીનગર:
બિહાર રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. એ પહેલાં ત્યાં મતદારયાદી ચકાસણીઓ માટેની SIR કામગીરીઓ એટલે કે special intensive revision મતદારયાદીની ઘનિષ્ઠ ચકાસણીઓ થઈ. 65 લાખ મતદારોના નામો દૂર કરવાની કામગીરીઓ પણ આ ચકાસણીઓ બાદ ચાલુ છે. હવે આ SIR કામગીરીઓ ગુજરાત સહિત દેશભરમાં થશે, આ માટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણીપંચ સાથે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા બેઠક પણ યોજાઈ ગઈ.
આ અનુસંધાને આગામી સમયમાં ગુજરાતમાં આ કામગીરીઓ શરૂ થશે. સૂત્રના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આ કામગીરીઓ દીવાળી બાદ શરૂ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં છેલ્લે 2006ની સાલથી સુધારેલી મતદારયાદી ચૂંટણીપંચની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 19 વર્ષ બાદ હવે નવી સુધારેલી મતદારયાદી ઘનિષ્ઠ ચકાસણીઓ બાદ તૈયાર થશે.
બેઠકમાં એક બાબત નિશ્ચિત કરવામાં આવી કે, હવે પછી કોઈ પણ મતદાન મથક ખાતે વધુમાં વધુ 1,200 મતદાર રાખવામાં આવશે. દરેક BLO એટલે કે બ્લોક લેવલ ઓફિસર આશરે 250 પરિવારોની મુલાકાત લેશે. આશરે 900 જેટલાં મતદારોની વ્યક્તિગત વિગતોની ચકાસણીઓ કરશે. બધાં જ જરૂરી દસ્તાવેજ તપાસવામાં આવશે. જો કે 65-70 ટકા મતદારો એવા છે જેમણે દસ્તાવેજ દેખાડવા નહીં પડે. ચૂંટણીપંચ પાસે આ વિગતો છે જ. અને, આ ચકાસણીઓ આશરે 45 દિવસ ચાલશે.
આ કામગીરીઓથી મતદારયાદી અપડેટ થશે, ક્ષતિરહિત થશે અને ગેરલાયક મતદારોના નામો કમી થઈ શકશે. જો કે અન્ય ફેરફાર માટે BLO પાસે ફોર્મ પણ હશે. મતદારો જરૂરી ફેરફાર માટે આ ફોર્મની મદદથી અરજી પણ કરી શકશે. આ કામગીરીઓ માટે ચૂંટણી સ્ટાફને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે. એમ માનવામાં આવે છે કે, આગામી મહાનગરપાલિકાઓ અને તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ પહેલાં આ કામગીરીઓ પૂર્ણ કરી લેવામાં આવશે.
