Mysamachar.in-અમદાવાદ:
પ્રદૂષણ સંવેદનશીલ વિષય બની ચૂક્યો છે. તમામ પ્રકારના પ્રદૂષણ બાબતે સરકારની ભૂમિકાઓ અલગ મુદ્દો છે, વડી અદાલત એક પણ પ્રકારનું પ્રદૂષણ ચલાવી લેવા તૈયાર નથી, ધ્વનિ પ્રદૂષણ મામલે પણ વડી અદાલતે આકરૂં વલણ અખત્યાર કર્યું છે અને સરકાર તથા પોલીસતંત્રને કડક નિર્દેેશ આપ્યા છે.
વડી અદાલત સમગ્ર રાજ્યમાં શાંતિ ઈચ્છે છે, કેમ કે ઘોંઘાટથી લોકો બહુ પરેશાન છે કારણ કે, ઘોંઘાટ વધી ગયો છે અને ઘોંઘાટ કાયદાનો ભંગ છે. વડી અદાલત આ કાયદાનો ભંગ ચલાવી લેવા ઈચ્છતી નથી. DJ સાથેના વાહનો, સાઉન્ડ સિસ્ટમ સાથેના વાહનો, લગ્ન સહિતના સમારોહોમાં થતો સાઉન્ડ સિસ્ટમનો ઘોંઘાટ, અવાજની લિમિટનો ભંગ કરતાં વપરાશકારો, અવાજ ઉત્પાદન માટેના સાધનોના ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરવા વડી અદાલતનો નિર્દેશ આવ્યો છે. અદાલતે ત્યાં સુધી કહ્યું કે, આ તમામ લોકો ગુનો કરે તેની રાહ ન જૂઓ, ઘોંઘાટ ઉત્પન્ન કરવાનો ગુનો બને તે અગાઉ જ આ તમામ સંબંધિતો પર ત્રાટકો.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની બેન્ચે સરકાર અને પોલીસને આ બહુ મહત્વનો નિર્દેેશ આપતાં કહ્યું છે કે, આ પ્રકારના ઘોંઘાટ ઉત્પન્ન કરતાં તમામ સાધનો પર કડક નિયંત્રણ લાવો. હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને નિર્દેેશ આપ્યો છે કે, આ મામલે બે સપ્તાહમાં એક્શન લઈ, તેનો રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરો. લોકો ગુનો કરે તેની રાહ જોવી જરૂરી નથી.
આ ધ્વનિ પ્રદૂષણ અટકાવવા વડી અદાલતમાં જાહેર હિતની એક અરજી અગાઉ થયેલી, જે અનુસંધાને વડી અદાલતે જેતે સમયે સરકારને તાકીદ પણ કરી હતી, આમ છતાં સરકાર અને પોલીસતંત્ર આ કાયદાની અમલવારીમાં નિષ્ક્રિય રહ્યા, તેથી વડી અદાલતે હવે ગંભીર ટકોર સાથે આ નિર્દેેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અન્ય સંબંધિત કાયદાકીય જોગવાઈ મુજબ, દરેક સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટ નિર્ધારીત હોવી ફરજિયાત છે. અને તેમાં માત્ર 65 ડેસિબલ (અવાજની તીવ્રતા માપવાનો એકમ) સુધીનો જ અવાજ કરી શકાય. આમ છતાં સાઉન્ડ સિસ્ટમને મોડીફાય કરી તેનો ઉપયોગ વિવિધ વાહનોમાં ગોઠવીને મોટો અવાજ ઉત્પન્ન કરવા થતો રહે છે. જેમાં RTO કાયદાનો પણ ભંગ થતો રહે છે. છતાં, પોલીસ કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે RTO દ્વારા કાર્યવાહીઓ થતી નથી, આથી અદાલતે આ નિર્દેેશ આપ્યો છે અને ઘોંઘાટ અટકાવવા તાકીદ કરી છે. આ માટે DySP કક્ષાના અધિકારીને તાલીમ પણ આપવામાં આવે છે. અને, સાઉન્ડ સિસ્ટમ બનાવનાર ધંધાર્થીઓએ તેમાં અવાજને નિયંત્રિત કરતું ડિવાઇસ લગાવવું પણ ફરજિયાત છે. આ ઉપરાંત તેના વપરાશકારોએ પરવાનો લેવો અને પોલીસ વેરિફિકેશન પણ જરૂરી છે છતાં આ પૈકી એક પણ બાબતનો ગુજરાતમાં અમલ થતો નથી, આથી હાઈકોર્ટે સરકાર તથા પોલીસતંત્રને કડક નિર્દેેશ આપ્યા છે.