Mysamachar.in:જામનગર
વરસાદની દ્રષ્ટિએ ગઈકાલનો રવિવારનો દિવસ એકંદરે સારો રહ્યો. જિલ્લાનાં કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જો કે, કેટલાંક ગામો વરસાદનાં આ રાઉન્ડમાં વંચિત પણ રહ્યા. રવિવારે સૌથી વધુ વરસાદ જામનગર તાલુકામાં નોંધાયો. ધ્રોલ તાલુકાના ગામોમાં પણ વરસાદ નોંધાયો. જામનગર જિલ્લામાં વિવિધ ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે વરસાદ માપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો ડેઈલી રિપોર્ટ આજે સવારે છ વાગ્યે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ કહે છે : કાલે રવિવારે જામનગર તાલુકાના જામવણથલી ગામમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે. અને મોટી ભલસાણમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાના ફલ્લા દોઢ ઇંચ, અલિયાબાડા દોઢ ઇંચ, મોટી બાણુગાર 1 ઇંચ, દરેડ 1 ઇંચ, વરસાદ નોંધાયો છે.
જામનગર તાલુકા ઉપરાંત ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણીમાં 4 ઈંચ (98મિમી) અને લૈયારામાં 28મિમી વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં 5 ઇંચ અને મોટા પાંચ દેવડા ગામમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સ્થાનિક અહેવાલો કહે છે, બાંગા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. જામજોધપુર તાલુકાના સમાણા 3 મિમી, શેઠવડાળા 6 મિમી, જામવાડી 5 મિમી, વાંસજાળિયા 7 મિમી, ધૂનડા 9 મિમી અને પરડવામાં 6 મિમી વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં 1 ઇંચ (25મિમી) વરસાદ નોંધાયો છે. જિલ્લા કંટ્રોલ રૂમનાં રિપોર્ટ અનુસાર, આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન જામનગર તાલુકામાં સરેરાશ 19મિમી વરસાદ નોંધાયો છે. અને આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી.